ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ગુરપ્રીત સૈની|
Last Modified: રવિવાર, 31 મે 2020 (11:01 IST)

lockdown 5.0 : ભારતને લૉકડાઉનથી ફાયદો થયો કે નુકસાન?

ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે ભારત કોરોના વાઇરસનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 દેશોમાં સામેલ થઈ ગયું છે.
 
આવું જ કંઈક થવાની બીકને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિના પહેલાં જ લૉકડાઉન લાગુ કરી દીધું હતું. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું લૉકડાઉન બેઅસર રહ્યું?
 
આ જ પ્રશ્ર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉઠાવ્યો હતો.
 
તેમણે કહ્યું કે, "નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે 21 દિવસમાં કોરોનાનો જંગ જીતી લેવાશે. ચાર લૉકડાઉન થઈ ગયા છે."
 
"લગભગ 60 દિવસ પણ થઈ ગયા. પરંતુ હજુ સુધી લૉકડાઉનનો હેતુ પૂર્ણ નથી થયો. ઊલટું બીમારીનો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે."
 
પરંતુ ભારત સરકાર લૉકડાઉનને સતત સફળ ગણાવી રહી છે.
 
સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકારપરિષદમાં લૉકડાઉનની અનેક સફળતાઓ ગણાવી અને કહ્યું કે ભલે કેસ વધી રહ્યા હોય, પરંતુ દેશમાં આ બીમારીના કારણે થઈ રહેલાં મૃત્યુનું પ્રમાણ સૌથી ઓછું છે.
 
તો હવે બંને દાવામાંથી કયા દાવામાં દમ છે? આ સમજવા માટે આપણે એ જાણવું પડશે કે લૉકડાઉન આખરે લાદવામાં કેમ આવ્યું હતું અને તેનો હેતુ શો હતો?
 
લૉકડાઉનથી શું આશા હતી?
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લૉકડાઉનની જાહેરતા કરી હતી ત્યારે એ વાત પર ભાર મૂક્યો હતો કે 'આપણે કોરોનાના ચેપની સાઇકલ તોડવાની છે.'
 
બીજું, સરકાર લૉકડાઉન મારફતે થોડોક વધારે સમય મેળવવા માગતી હતી, જેથી તે લૉકડાઉન બાદ કોરોનાના પ્રકોપને સંભાળવા માટે તૈયારી કરી શકે.
 
તો શું આ હેતુ પૂર્ણ થઈ શક્યો?
 
આ વિશે દિલ્હીના સર ગંગારામ હૉસ્પિટલના મેડિસિન વિભાગના વાઇસ ચૅરમૅન ડૉક્ટર અતુલ કક્કડ જણાવે છે કે "શરૂઆતમાં કેસોની ઝડપ ઘટાડવા માટે લૉકડાઉનના કારણે થોડી મદદ જરૂર મળી હતી, નહિતર પીક ખૂબ પહેલાં આવી ગઈ હોત."
 
તેમજ જયપુરના સવાઈ માનસિંહ હૉસ્પિટલના ચિકિત્સા અધીક્ષક ડૉક્ટર ડી. એસ. મીણા જણાવે છે કે"આ નવો વાઇરસ હતો."
 
"લૉકડાઉનથી આ વાઇરસને સમજવા અને જાણવા માટે સમય મળ્યો. કોરોનાના દર્દીઓનો ઇલાજ કેવી રીતે કરવાનો છે, ટેસ્ટિંગ કેવી રીતે કરવાનું છે, એ વાત અંગે પણ સ્વાસ્થ્યકર્મીઓને પહેલાં જાણકારી નહોતી."
 
"આ દરમિયાન પ્રોટોકૉલ બનાવાયા. જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફારો પણ કરાયા. હવે આ વાઇરસ સામે ઝઝૂમવા માટે પહેલાં કરતાં વધારે સમજણ અને વધુ સંસાધન છે."
 
'હકારાત્મક નહીં નકારાત્મક સફળતા'
 
ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ વેલ્લોરના વાઇરોલૉજીના નિવૃત્ત પ્રોફેસર ટી જૅકબ જૉન માને છે કે, "તમે એવું બિલકુલ ન કહી શકો કે લૉકડાઉન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું, કારણ કે જેવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ લૉકડાઉનની આર્થિક કિંમત ચૂકવવી પડશે, એવું જરૂર થયું - ભલે કંઈ બીજું થયું હોય કે ન થયું હોય."
 
"લૉકડાઉનનાં ત્રણ પરિણામ આવશે એવું કહેવાતું હતું. આશા હતી કે તેનાથી મહામારીની ઝડપ ઘટી જશે. સાથે જ લૉકડાઉન પછીના સમય માટે તૈયારી કરી લેવાશે."
 
"ત્રીજી વાત કહેવાતી કે લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન પણ થઈ શકે છે.'
 
ડૉક્ટર જૅકબ જૉન માને છે કે "લૉકડાઉન જે એક બાબતે સંપૂર્ણપણે સફળ સાબિત થયું છે તે છે અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની બાબતમાં."
 
સાથે તેઓ માને છે કે, "એ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે ભારતમાં સંક્રમણના પ્રસારની ઝડપમાં ઘટાડો થયો છે. ભારતમાં દરરોજ સંક્રમણના મામલા વધતા જઈ રહ્યા છે."
 
'મારી પત્નીએ 10 વર્ષ મારા પર બળાત્કાર કર્યો'
શું મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો?
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ જ્યારે પત્રકારપરિષદમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેમણે લૉકડાઉનની અસંખ્ય સફળતાઓ ગણાવી.
 
તેમણે દાવો કર્યો કે લૉકડાઉનના કારણે ભારત અન્ય દેશોની સરખામણીએ પરિસ્થિતિને વધુ સારી રીતે સંભાળી શક્યું. તેનાથી રિકવરી રેટ વધ્યો, મૃત્યુદર પણ ઘટ્યો.
 
લવ અગ્રવાલે જણાવ્યું કે માર્ચમાં જે રિકવરી રેટ લગભગ 7.1 ટકા હતો, તે બીજું લૉકડાઉન શરૂ થયા બાદ વધીને 11.42 ટકા થઈ ગયો. તેમજ ત્રીજું લૉકડાઉન શરૂ થતાંની સાથે જ તે વધીને 26.95 ટકા થઈ ગયો અને આજે તે વધીને 41.61 ટા થઈ ચૂક્યો છે.
 
સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે ભારતમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓમાં મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો એટલે કે 2.8 ટકા થઈ ગયો છે, જ્યારે વિશ્વમાં સરેરાશ મૃત્યદર 6.4 ટકા છે.
 
સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ સફળતાઓ માટે લૉકડાઉનને કારણભૂત ગણાવ્યું. તેમણે કહ્યું કે આ દરમિયાન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું. લૉકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાયું, સાથે જ કન્ટેઇનમેન્ટનાં પગલાં દ્વારા પણ ચૅઇન ઑફ ટ્રાન્સમિશનને નબળી બનાવી શકાઈ.
 
 
પરંતુ આગળની તૈયાર શું છે?
 
ડૉ. જૅકબ જૉન સરકારના આ દાવા પર પ્રશ્નો ઉઠાવે છે.
 
તેઓ કહે છે કે સરકાર દાવા તો કરી રહી છે પરંતુ આંકડા નથી રજૂ કરી રહી કે તેમણે કેટલા બેડ તૈયાર કર્યા છે, કેટલા વૅન્ટિલેટર તૈયાર કરી લેવાયાં છે.
 
તેઓ જણાવે છે કે મુંબઈથી હજુ પણ બેડ ખૂટી પડ્યાના સમાચાર મળી રહ્યા છે, તેમજ પશ્વિમ બંગાળમાં બેડ તો છે, પરંતુ સ્વાસ્થ્યકર્મીઓની અછત છે.
 
'સરકારે એ જણાવવું જોઈએ કે આ દિશામાં તેમની તૈયારી શું છે? સરકાર કહી રહી છે કે લૉકડાઉનમાં આયોજન કર્યું, પણ શાનું આયોજન કર્યું છે? એક નાગરિક તરીકે અમને આ પૈકી કોઈ પણ જાણકારી નથી અપાઈ.'
 
તેઓ કહે છે કે લૉકડાઉને કોરોનાના કેસોને એ રીતે સ્લો-ડાઉન નથી કર્યા જે રીતે આપણે ઇચ્છતા હતા.
 
જ્યારે સ્વાસ્થ્યમંત્રાલયનો દાવો છે કે જો વિશ્વમાં પ્રતિ લાખની વસતિએ 69.9 કેસ રિપોર્ટ થયા છે, તો ભારતમાં તે લગભગ 10.7 કેસ પ્રતિ લાખ છે.
 
જોકે, ડૉક્ટર જૅકબ કહે છે કે મામલા એટલા માટે પણ ઓછા દેખાઈ રહ્યા છે, કારણ કે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ નથી થઈ રહ્યા.
 
તેઓ જણાવે છે કે ભારતની માત્ર એક ટકા વસતિના ટેસ્ટ થયા છે, તેથી કોઈનેય ખબર નથી કે 99 ટકા વસતિ સાથે શું બની રહ્યું છે, ત્યાં થઈ રહેલાં મૃત્યુને પણ ગણતરીમાં નથી લેવાઈ રહ્યાં, કારણ કે મૃત્યુની ગણતરી પણ એક ટકા વસતિમાંથી જ કરાઈ રહી છે.
 
 
મૃત્યુદર ઓછો નહીં બલકે ખૂબ વધારે છે
 
ડૉક્ટર જૅકબ જૉન દાવો કરે છે કે, 'ભારત સરકારના દાવાથી ઊલટું ભારતનો ખરો કેસ ફેટેલિટી રેટ 17.8% છે, જે વિશ્વની સરખામણીમાં ખૂબ વધારે છે. તેમજ ભારતનો ઇન્ફેક્શન ફેટેલિટી રેટ પણ 3.6 ટકા છે.'
 
ડૉક્ટર જૅકબ જૉન જણાવે છે કે કેન્દ્ર સરકાર માત્ર ફેટેલિટી જણાવે છે, તેઓ એ નથી જણાવતા કે તે કેસ ફેટેલિટી રેટ છે કે ઇન્ફેક્શન ફેટેલિટી રેટ.
 
'આ બંને અલગ અલગ છે અને ભારતમાં કેસ ફેટેલિટી રેટ ચિંતાજનક સ્તરે છે.'
 
આ મૃત્યુદર તેમણે કયા આધારે કાઢ્યો છે? આ વિશે ડૉક્ટર જૅકબ જૉન જણાવે છે, મૃત્યુદર બે રીતે ધ્યાનમાં લેવાય છે. એક ઇન્ફેક્શન ફેટેલિટી અને બીજી કેસ ફેટેલિટી.
 
ધારો કે, 1000 લોકોને ચેપ લાગ્યો છે, તો તે પૈકી જેટલાનાં મૃત્યુ નીપજશે તે હશે ઇન્ફેક્શન ફેટેલિટી.
 
કેસ ફેટેલિટી એટેલે, જો 1000 લોકોને ચેપ લાગે છે અને તે પૈકી 800 આપમેળે જ સાજા થઈ જાય છે, તેમજ બાકીના 200ને બીમારી રહે છે. તો 200 પૈકી જેટલાં મૃત્યુ નોંધાશે તે બનશે કેસ ફેટેલિટી.
 
ભારતમાં કોરોનાના મૃત્યુદરને સમજાવતાં ડૉક્ટર જૅકબ જૉન જણાવે છે કે, 'કાલે જેને ચેપ લાગ્યો છે તે શખ્સ આજે નહીં મરે. પ્રથમ સાતથી 10 દિવસ સુધી ઇન્ક્યૂબેશન પીરિયડ હોય છે. ત્યાર બાદ લક્ષણ દેખાય છે. ત્યાર બાદ વ્યક્તિ અત્યંત બીમાર પડી જાય છે. પછી તેમનું મૃત્યુ નીપજે છે. આ તમામ પ્રક્રિયામાં ત્રણથી ચાર અઠવાડિયાંનો સમય લાગે છે.'
 
'તેથી ઇન્ફેક્શન ફેટેલિટી અને કેસ ફેટેલિટીનો અંદાજ મેળવવા માટે ત્રણ કે ચાર અઠવાડિયા પહેલાંના સંક્રમિત મામલાની સંખ્યાને ધ્યાને લેવાય છે અને તેમને આજનાં મૃત્યુની સંખ્યા અનુસાર ગણતરી કરી મૃત્યુદરનું પ્રમાણ કાઢવામાં આવે છે.'
 
ડૉક્ટર જૅકબ જૉનનો દાવો છે કે ભારતનો અસલ મૃત્યુદર અત્યંત ચિંતાજનક અને વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણો વધારે છે. તેઓ કહે છે કે મૃત્યુદર ઓછો હોવો જોઈતો હતો, કારણ કે અહીંની 80 ટકા વસતિ 50 વર્ષ કરતાં ઓછી ઉંમરની છે.
 
તેઓ દાવો કરે છે કે અમેરિકા જેવા દેશોમાં એક લાખ કરતાં વધારે મૃત્યુનો આંકડો એટલા માટે જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ સમગ્ર વસતિમાં થઈ રહેલાં મૃત્યુની ગણતરી કરી રહ્યા છે, જ્યારે ભારત માત્ર પોતાની એક ટકા વસતિના ટેસ્ટ કરીને તેમા થયેલાં મૃત્યુને ગણી રહી છે.
 
તેઓ કહે છે કે લૉકડાઉનથી જે બે હકારાત્મક આશાઓ હતી, એક કે મહામારીની ઝડપ ધીમી થઈ જાય અને આપણને પ્લાનિંગ માટે સમય મળી જાય, આ બંને આશાઓ પરિપૂર્ણ ન થઈ શકી.