સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 એપ્રિલ 2019 (17:04 IST)

ભાજપે મૅનિફેસ્ટો જાહેર કર્યો છે ત્યારે 2014માં આપેલા વાયદાઓનો શું છે હાલ?

ભારતમાં રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણી કૅમ્પેનમાં જોર-શોરથી લાગી ગયા છે. 11 એપ્રિલે દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. આ ચૂંટણીમાં 90 કરોડ મતદાતાઓ ભાગ લેશે. વર્ષ 2014માં બહુમતવાળી સરકાર બનાવનારા વડા પ્રધાન મોદી 'ફરી એક વાર મોદી સરકાર' અને 'ટ્રાન્સફૉર્મ ઇન્ડિયા'ના નારા સાથે મેદાનમાં છે અને પોતાનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે.
 
સામે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ પાર્ટી કહે છે કે સરકાર પોતાના મુખ્ય વાયદાઓ જ પૂરા કરી શકી નથી તો આગળ શું પૂરા કરશે. બીબીસી રિયાલિટી ચેકની ટીમે ઉપલબ્ધ આંકડાઓના આધારે આવા ઘણા મુદ્દાઓ પર તપાસ કરી છે
સીમા પર દેશની સુરક્ષાનો વાયદો
 
ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં સુરક્ષા એક મોટો મુદ્દો બનીને સામે આવ્યો હતો. 14 ફેબ્રુઆરીએ કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 જવાનોનાં મૃત્યુ થયાં હતાં. તેના જવાબમાં ભારતે પાકિસ્તાની સરહદમાં દાખલ થઈને ઍરસ્ટ્રાઇક કરી અને ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદનાં ઠેકાણાંઓને તોડી પાડ્યાંનો દાવો કર્યો. પરંતુ કૉંગ્રેસ મોદી સરકાર પર હુમલો કરતાં કહેતી રહી કે વર્ષ 2014 બાદ કાશ્મીરની સ્થિતિ વધુ વણસી રહી છે.
 
ભારત પ્રશાસિત કાશ્મીરમાં ઉગ્રવાદની ઘટનાઓ
 
ગત વર્ષના અંત સુધીના આંકડાઓ મુજબ વર્તમાન સરકારના સમયમાં કાશ્મીરમાં ચરમપંથી ગતિવિધિઓ અગાઉની સરકાર જેટલી થઈ ગઈ છે. જોકે, અન્ય એક હકીકત એ પણ છે કે વર્ષ 2016થી ભારત પ્રશાસિત કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થયો છે.
 
શું ભારત ઉત્પાદનમાં સુપર પાવર બન્યું?
 
મોદી સરકાર ઉત્પાદન ક્ષેત્રને આર્થિક વિકાસનો સૌથી મોટો સ્રોત માને છે. સરકારે વાયદો કર્યો હતો કે 'મેક ઇન ઇન્ડિયા'ની મદદથી વર્ષ 2025 સુધીમાં અર્થવ્યવસ્થામાં મૅન્યુફૅક્ચરિંગનું યોગદાન વધીને 25 ટકા થઈ જશે. સરકારના આંકડા મુજબ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનું યોગદાન હજુ સુધી 15 ટકા જેટલું જ છે.
 
શું હવે મહિલાઓ સુરક્ષિત છે?
 
વિપક્ષી કૉંગ્રેસ પક્ષનું કહેવું છે કે મહિલાઓની સુરક્ષા આવનારી ચૂંટણીમાં મોટો મુદ્દો બનશે.  ત્યારે ભાજપનું કહેવું છે કે મહિલાઓની વિરુદ્ધ થતી હિંસા અટકાવવા માટે કડક કાયદા અમલમાં મુકાયા છે. આંકડા અનુસાર વર્ષ 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગૅંગ રેપની ઘટના બાદ આવા કેસોની ફરિયાદ નોંધાણીની સંખ્યામાં વધારો થયો છે.
પરંતુ કોર્ટમાં ચાલતા કેસમાં સજાના દરમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોઈ સુધારો થયો નથી
ખેડૂતોને અપાયેલાં કેટલાં વાયદા નિભાવ્યા
 
ભારતની કુલ વસ્તીનો મોટો ભાગ આર્થિક રીતે ખેતી પર આધાર રાખે છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોના લોકો અને ખાસ કરીને ખેડૂતો ચૂંટણી દરમિયાન હંમેશા એક મોટો મુદ્દો હોય છે. વિપક્ષ હંમેશા મોદી સરકારના કાર્યકાળમાં ખેડૂતોની દુર્દશાનો ઉલ્લેખ કરે છે, સાથે જ કેન્દ્ર સરકાર પર આક્ષેપ છે કે તે 'ગરીબ વિરોધી સરકાર છે.'
ત્રણ વર્ષ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે. સરકારી આંકડાઓ મુજબ 2016 સુધીમાં ખેડૂતોની આવકમાં વધારો થયો છે. 2016 બાદ ખેડૂતોની આવક કેટલી વધી છે તેના સરકારી આંકડા ઉપલબ્ધ નથી. જોકે, કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં ઘણાં પગલાં લીધાં છે.
 
કૉંગ્રેસની દેવાંમાફીની યોજનાને આડે હાથ લેતાં મોદી હંમેશાં કહેતા રહ્યા છે કે દેવાંમાફી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નથી. તપાસમાં બીબીસી રિયાલિટી ચેક ટીમે જાણ્યું કે ખેડૂતો માટે કરવામાં આવેલી દેવાંમાફી યોજનાનો લાભ ખરેખર ખેડૂતોને પૂરેપૂરો મળી શકતો નથી. 
ઉજ્જવલા યોજના કેટલી સફળ
 
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વડા પ્રધાન મોદીએ ઘણા વાયદા કર્યા હતા. ધુમાડા રહિત ઈંધણ માટે મોદી સરકારે ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. વર્ષ 2016માં ઉજ્જવલા યોજના લૉંચ થઈ હતી અને અત્યાર સુધીમાં કરોડો લોકોને ગૅસ કનેક્શન આપવાનો સરકારનો દાવો છે. સરકારની આ યોજનાથી રસોઈ ગૅસ (એલપીજી) મોટી સંખ્યામાં સામાન્ય લોકોનાં ઘરો સુધી પહોંચ્યો. પરંતુ સિલિન્ડર રીફિલ કરાવવાની પડતર કિંમત જોતાં લોકો તેનો ઉપયોગ ચાલુ રાખી શક્યા નહીં. અને લોકો પરંપરાગત ઈંધણ તરફ પાછા વળી ગયા, કારણ કે એ તેમને લગભગ મફતમાં જ મળી જાય છે.
 
કેટલા શૌચાલય બન્યા 
 
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકારે એક કરોડ શૌચાલય બનાવવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન મોદીનો દાવો છે કે હવે ભારતના 90 ટકા ઘરોમાં શૌચાલય છે, જેમાંથી લગભગ 40 ટકા 2014માં નવી સરકાર આવ્યા પછી બન્યા છે.
 
એ વાત સાચી છે કે મોદી સરકારના સમયમાં ઘરોમાં શૌચાલ બનાવવાનું કામ ઝડપથી થયું. પરંતુ એ વાત પણ સાચી છે કે બનેલાં આ બધાં જ શૌચાલયોનો અલગ-અલગ કારણોથી ઉપયોગ થતો નથી.
 
કેટલી સાફ થઈ ગંગા?
જ્યારે નરેન્દ્ર મોદી વર્ષ 2014માં વડા પ્રધાન બન્યા તો તેમણે દેશના નાગરિકોને એક વચન આપેલું. તેમણે કહેલું કે પ્રદૂષિત ગંગા નદીને સ્વચ્છ કરવાનું કામ કરશે. વર્ષ 2015માં સત્તા પર આવેલી ભાજપ સરકારે તેના માટે પાંચ વર્ષના કાર્યક્રમની શરૂઆત કરી અને 300 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું હતું. વિપક્ષનો દાવો છે કે સરકાર આ મામલે પોતાનો વાયદો પૂરો કરી શકી નથી. એ પણ હકીકત છે કે ગંગાની સફાઈનું કામ બહુ ધીમી ગતિએ ચાલે છે.
 
જોકે આ સમસ્યા પર પહેલાં જ મોટી રકમ ખર્ચાઈ ગઈ છે. પરંતુ એવું નથી લાગતું કે 1568 માઈલ લાંબી આ નદીને 2022 સુધીમાં સાફ કરી શકાશે