ગુજરાતમાં અંબાજી પાસે ખાનગી બસનો અકસ્માત, 21 લોકોનાં મોત
અંબાજીથી દર્શન કરીને પરત આવેલી બસને અકસ્તમાત નડતા 21થી વધુનાં મોત થયાં છે.
બનાસકાંઠાના એસપી અજીત રાજીયાને આ મામલે વાત કરતાં કહ્યું કે આ અકસ્માતમાં કુલ 21 લોકોનાં મોત થયાં છે અને 35 લોકો ઘાયલ થયાં છે.
ખાનગી બસને ત્રિશૂલિયા ઘાટ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બસ ઊંધી વળી જતાં વધારે ખુવારી થઈ છે.
અકસ્માતની જાણ થતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ઘાયલ થયેલા લોકોને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અંબાજી અને દાંતા વચ્ચેના હાઇવે પર આ ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બસ વળાંક લેતી વખતે ઊંધી વળી ગઈ હતી.
દાતાના પ્રાંત અધિકારી કુસુમબહેન પ્રજાપતિએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે મૃતકોમાં 14 પુરુષો, 3 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.
બસમાંથી લોકોને બચાવવા માટે જેસીબી અને હિટાચી જેવાં મશીનોની મદદ લેવામાં આવી હતી.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ મામલે બનાસકાંઠાના કલેક્ટર જોડે વાત કરી છે અને આ અંગે તમામ વિગતો મેળવી છે.
મુખ્ય મંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવાની સૂચના પણ કલેક્ટરને આપી દીધી છે.