રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By પાર્થ પંડ્યા|
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (12:47 IST)

ગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન કેમ હલ થઈ શકતો નથી?

ગુજરાતના અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે.
બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી લોકોને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપી રહ્યા છે.
મે મહિનો માંડ શરૂ થયો છે ત્યાં તો સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનાં ગામોમાં બેડાં માથે ઊંચકીને બંજર વિસ્તારોમાં પાણી શોધતી મહિલાઓનાં ટોળાં દેખાવાં લાગ્યાં છે.
સરહદને અડીને આવેલાં બનાસકાંઠાનાં ગામોમાં સ્થિતિ બદથી બદતર છે. ગુજરાતમાં દુષ્કાળ સમી સ્થિતિ મે મહિનાના જ પ્રારંભે સર્જાઈ ગઈ છે.
કચ્છના બન્ની વિસ્તારમાંથી લોકો પોતાનાં ઢોરઢાંખર સાથે હિજરત કરી રહ્યા છે.
ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કહી ચૂક્યા છે કે ઓછા વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના ડૅમોમાં પાણીનો જથ્થો નહિવત્ છે.
જોકે, રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી કહી ચૂક્યા છે કે 31 જુલાઈ સુધી રાજ્યમાં પીવાની પાણીની અછત નહીં સર્જાય.
 
ગુજરાતમાં ડૅમની સ્થિતિ
રાજ્યમાં મોટાભાગના ડૅમની સ્થિતિ એવી છે કે નર્મદાને બાદ કરતાં કોઈ પણ ડૅમમાંથી લાંબા સમય માટે પાણી આપી શકાય એવી કોઈ જ શક્યતા હાલના તબક્કે દેખાતી નથી.
26 એપ્રિલ 2019 સુઘીના પ્રાપ્ત આંકડા પ્રમાણે નર્મદા સહિત ગુજરાતમાં આવેલા 204 ડૅમમાં માત્ર 33.55 ટકા પાણી જ ઉપલબ્ધ છે.
નર્મદાને બાદ કરીએ તો અન્ય 203 ડૅમમાં 23.15 ટકા પાણી જ ઉપલબ્ધ છે.
સૌરાષ્ટ્રના 138 ડૅમમાં 10.59 ટકા પાણી ઉપલબ્ધ છે અને કચ્છના 20 ડૅમમાં 13.04 ટકા પાણી ઉપલબ્ધ છે. કચ્છના 20 પૈકી 17થી વધુ ડૅમ સાવ ખાલીખમ છે, એવું સ્થાનિક અખબારો અનેક વખત નોંધી ચૂક્યાં છે.
સ્કૉલર અને ભાજપ સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે ફેસબુક પર લખ્યું છે કે માત્ર બે જ જળાશયોમાં પાણીનો જથ્થો 70 થી 90 ટકા વચ્ચે છે, જ્યારે 78 જળાશયોની તળિયાઝાટક થઈ ગયાં છે.
ઉત્તર ગુજરાતના 15 ડૅમની સ્થિતિ પણ સારી નથી, અહીં 16.24 ટકા પાણી જ ઉપલબ્ધ છે.
નર્મદા ડૅમમાં 50.89 ટકા પાણી ઉપલબ્ધ છે. આમ છતાં, મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને ખેડામાં પાણીનો કકળાટ છે.
 
સરકાર શું કહે છે?
ડૅમની સંખ્યા કૅપેસિટી (MCMમાં) ઉપલબ્ધ પાણી (MCMમાં) ઉપલબ્ધ પાણી (ટકામાં)
ઉત્તર ગુજરાત 15 1922.26 312.13 16.24%
મધ્ય ગુજરાત 17 2347.36 1089.93 46.43%
દક્ષિણ ગુજરાત 13 8624.78 1935.26 22.44%
કચ્છ 20 332.27 43.32 13.04%
સૌરાષ્ટ્ર 138 2533.49 268.23 10.59%
કુલ 203 15760.16 3648.87 23.15%
નર્મદા 1 9460 4813.73 50.89%
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું, "31 જુલાઈ સુધી લોકોને પાણી પહોંચાડવા માટે સરકાર તૈયાર છે. લોકોએ ડરના માર્યા પાણીનો સંગ્રહ કરવાની જરૂર નથી."
તેમણે કહ્યું, "પાણીની પરિસ્થિતિ કંટ્રોલ બહાર નથી, પાણી છે પણ 500 કિલોમિટર દૂર પાણી પહોંચાડવાનો પ્રશ્ન છે."
"જે-તે જિલ્લાની જરૂરિયાત પ્રમાણે સૌને પાણી મળી રહે એ માટે કલેક્ટરોને પણ છૂટો દોર આપવામાં આવ્યો છે."
જરૂર પ્રમાણે ટૅન્કરની મદદથી તંત્ર પાણી પહોંચાડવા તૈયાર હોવાનું પણ રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીએ બાંયધરી આપી હતી કે 31 જુલાઈ સુધી ગુજરાતમાં પીવાના પાણીની કોઈ જ સમસ્યા સર્જાશે નહીં.
રાજ્યભરમાં 31 જુલાઈ સુધી પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે પીવાના પાણી માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં ગામોમાં લોકો પાણી માટે વલખાં મારે છે.
 
 
પીવાનાં પાણીની પળોજણ
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે.
ડિસેમ્બર 2018માં ગુજરાતની મુખ્ય વેટલૅન્ડમાં ગણાતું અમદાવાદ પાસેનું નળ સરોવર સુકાઈ ગયું હતું અને 120.82 ચોરસ કિલોમિટરનો વિસ્તાર મેદાનમાં ફેરવાઈ ગયો હતો.
ગુજરાતનાં સરોવરો, ડૅમ, નદીઓ, તળાવોનાં તળિયાં દેખાઈ રહ્યાં છે અને ક્યાંક તો નદીઓના પટ સાવ કોરા છે.
ઓછા વરસાદના કારણે ખેતી માટે સિંચાઈનાં પાણીની અછત છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચામાં છે પણ હવે પીવાના પાણીની ચિંતામાં સતાવી રહી છે.
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પીવાના પાણીની અછતના અહેવાલો સ્થાનિક અખબાર 'ગુજરાત સમાચાર' અને 'સંદેશ'માં પ્રકાશિત થયા હતા.
એ જ રીતે મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી અને નસવાડી તાલુકાનાં કેટલાંક ગામોમાં પાણીની તંગી છે.
વૉટર હાર્વેસ્ટિન્ગના ક્ષેત્રે કામ કરતાં અને ઉત્થાન સંસ્થાના સ્થાપક નફિસા બારોટ કહે છે કે આ વર્ષે પણ ઘણી કપરી પરિસ્થિતિ છે.
તેઓ કહે છે, " ભાવનગરનાં ગામોમાં અઠવાડિયામાં એક વાર કે બે વાર પાણી આવે છે, ક્યાંક તો પંદર દિવસે પાણી આવે છે. એ પણ માંડ 40 મિનિટ માટે આવે છે અને એમાંથી જ બધાએ પાણી ભરવાનું હોય એવી પણ દશા છે."
"ભાવનગર જિલ્લાનાં કેટલાંક ગામોમાં તો મહિલાઓ અને બાળકો 3 થી 4 કિલોમિટર દૂર પાણી શોધવા જાય છે અને ઘોઘામાં તો શાળા બંધ કરવી પડે એવી સ્થિતિ છે."
 
 
ટૅન્કરોથી પૂરું પડાતું પાણી
નફિસા બારોટનું કહેવું છે કે એકતરફ કહેવાય છે કે સાડા નવ હજાર ગામો નર્મદાની પાઇપલાઇનથી જોડાયેલાં છે, એ છતાં ટૅન્કરો દોડાવવાં પડે છે.
તેઓ કહે છે, "ગયા વર્ષે એપ્રિલથી જુલાઈમાં 4 હજાર પાણીનાં ટૅન્કરો સરકારે દોડાવવા પડ્યાં હતાં. આ વર્ષે પણ ઘણી કપરી પરિસ્થિતિ છે, જળસંકટ માથે ઊભું જ છે.
ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે 30 એપ્રિલે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 500 ગામોને ટૅન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં જરૂર પડશે તો વધુ ગામોમાં ટૅન્કર મોકલાશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લાઓમાં અધિકારીઓને અત્યારથી જ વ્યવસ્થા કરી લેવા કહેવામાં આવ્યું છે, જેથી જરૂર પડ્યે ટૅન્કરો થકી વધારે પાણી પહોંચાડી શકાય.
ઉનાળા દરમિયાન શહેરોમાં પણ ખાનગી ટૅન્કરોની બોલબાલા વધી જતી હોય છે.
વડોદરા સ્થિત સેન્ટર ફોર કલ્ચર ઍન્ડ ડેવલપમૅન્ટના રિસર્ચ કન્સલ્ટન્ટ ડૉ. જયેશ શાહે વડોદરામાં પાણીનાં ટૅન્કરના પ્રમાણ વિશે અભ્યાસ કર્યો છે.
આ અભ્યાસ પ્રમાણે માત્ર વડોદરામાં જ વર્ષે સરેરાશ 40 હજાર ફાયર બ્રિગેડનાં ટૅન્કર દ્વારા અને આશરે 2 લાખ 75 હજાર ખાનગી ટૅન્કરોનો પાણીના સ્રોત તરીકે ઉપયોગ થાય છે.
અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્થિતિ વિકટ હોવાનું જાણવા મળે છે.
 
પાણીની અછત કેમ?
ગુજરાતનાં ડૅમોમાં જળસ્તરની સ્થિતિ
સ્રોત : NWRWS
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પાણીની અછતનાં કારણો અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ક્ષમતા વધારવા માટે જળાશયોને ઊંડા કરવામાં આવ્યાં હતાં, પણ આ વખતે વરસાદ ઓછો પડ્યો હોવાથી જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી.
આ મામલે જયનારાયણ વ્યાસનું કહેવું છે કે જેટલાં ઘનમીટર માટીકામ થયું એટલાં ઘનમીટર જળસંગ્રહની શક્તિ ઊભી થઈ એમ ગણી 'હરખ હવે તો હિંદુસ્તાન'ની જાહેરાતો વ્યર્થ છે.
નફિસા બારોટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "1970માં સ્થાનિક સ્રોતોને વિકસાવવાના પ્રયાસ હતા, 1990-99માં પ્રયાસો બદલાતા ગયા પછી બલ્ક વૉટર સપ્લાય સુધી પહોંચ્યા"
તેઓ જણાવે છે કે આટલાં વર્ષોમાં સ્થાનિક સ્રોતોને જાળવવાના અને વધારવાના પ્રયાસો કરવાની જરૂર હતી, પણ એના બદલે મોટા જથ્થામાં પાણીને પહોંચાડવાની યોજનાઓ પર જ કામ થયું. જેના પગલે સ્થાનિક સ્રોતોને જાળવી નથી શકાયા.
જયનારાયણ વ્યાસ નોંધે છે, "નર્મદાનું પાણી મધ્ય ગુજરાત અને કડી થઈ સૌરાષ્ટ્રમાં જાય, તે 92 મીટર પમ્પિંગ કરી રાજકોટ પહોંચાડે. રકાબી જેવો આજી ડૅમ જેમાંથી પાણીનું બાષ્પીભવન થઈને ઊડી જવાની ક્ષમતા ગુજરાતમાં સૌથી વધારે છે તેમાં આ પાણી નાખીએ એટલે લગભગ 40થી 50 ટકા પાણીનું બાષ્પીભવન થઈ જાય છે."
"સૌરાષ્ટ્રનું લાંબા ગાળાનું પાણીનું આયોજન, સિંચાઈ તેમજ પીવા માટે પ્રમાણિકતાપૂર્વકનો અભ્યાસ અને વપરાશ માટે ખૂબ મોટો સંયમ જરૂરી છે."
કચ્છમાં નર્મદાના પાણી પહોંચાડવા વિશે તેઓ લખે છે કે કચ્છ અને નર્મદાનો ગ્રહમેળ ક્યારેય પૂરેપૂરો સધાયો નથી. 100 કરતાં વધારે વખત તૂટી ગયેલી કૅનાલોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.
 
 
ગુજરાતનું પાણી ક્યાં જાય છે?'
ખેડૂત કર્મશીલ સાગર રબારીએ મુખ્ય મંત્રીની સંબોધીને લખેલા પત્રમાં પાણીની ગણતરી અંગે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે.
તેઓ લખે છે, 15 ફેબ્રુઆરીથી ઓછા વરસાદનું કારણ આપીને સરકારે સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરી દીધું છે.
તેમણે પત્રમાં નર્મદા યોજનાના આંકડા ટાંકીને લખ્યું છે, "ગુજરાતને નર્મદામાંથી મળતા વાર્ષિક 90 લાખ એકર ફૂટ પાણી પૈકી 60 લાખ 38 હજાર એકર ફૂટ પાણી મળ્યું છે અને હજી પાણીની અવાક ચાલુ જ છે."
"બીજી તરફ સિંચાઈ માટે 17 લાખ 92 હજાર હેક્ટર પાણી આપવાના બદલે ત્રીજા ભાગનું એટલે કે 6 લાખ 40 હજાર હેક્ટર જ આપવામાં આવ્યું છે."
ગણતરીના આધારે તેઓ આક્ષેપ કરે છે કે 24 લાખ 81 હજાર એકર ફૂટ પાણીની ઘટ પડી રહી છે એટલે કે એનો કોઈ હિસાબ જ નથી.
શું નર્મદા યોજના આખા ગુજરાતના પાણીનો ઉકેલ છે?
નર્મદા યોજના નામે એવો દાવો કરાતો હતો કે ગુજરાતમાં દુષ્કાળ હવે ભૂતકાળ થઈ જશે.
મંગળવારની પત્રકાર પરિષદમાં પણ મુખ્ય મંત્રીએ એવો દાવો કર્યો હતો કે નર્મદાનું પાણી અછતમાં પાણીની પૂરતી કરશે.
વિજય રૂપાણીએ કહ્યું હતું, "સૌરાષ્ટ્રના ડૅમો લગભગ ખાલી જ છે પણ ત્યાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે."
સ્પષ્ટ વર્તાય છે કે ગુજરાતના પાણીની સમસ્યાનો ઉકેલ મહદંશે નર્મદા યોજના કેન્દ્રીત થઈ રહ્યો છે, પણ એ કેટલા અંશે યોગ્ય છે?
જયનારાયણ વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 13 શહેરો અને 14 હજાર કરતાં વધારે ગામડાં નર્મદાનું પાણી પીવે છે, નર્મદા યોજનાના કારણે પીવાના પાણીની તંગી કંઈક હળવી થઈ છે, પણ તે સંપૂર્ણ ઉકેલ નથી.
તેમના બ્લૉગમાં લખે છે કે નર્મદા યોજના ગુજરાત માટે અખૂટ પાણીનો ભંડાર છે એ વાત મગજમાં હોય તો કાઢી નાખવી પડે.
નર્મદા યોજનાના પાણી અંગે ગણતરી કરતાં તેમણે લખ્યું છે, "નર્મદા યોજનામાં આપણે ભાગે 9 મિલિયન એકર ફીટ પાણી આવ્યું છે. 455 ફૂટ એટલે કે પૂરેપૂરો બંધ ભરાય તો માત્ર 4.7 મિલિયન એકર ફીટ પાણી જ મળે."