દાહોદથી મધ્યપ્રદેશ જવાના રસ્તે માંડલી ગામ પાસે આવેલા જંગલમાં એક જાન જઈ રહી હતી. સાફા બાંધેલા જાનૈયા ડીજેના તાલે નાચી રહ્યા હતા અને પાછળ ધીમી ગતીએ ચાલી રહેલી મોટરકારમાં નવયુગલ બેઠું હતું. મધ્યપ્રદેશની સરહદ નજીક આવેલા આલની તલાઈ ગામ પાસે જેવી જ જાન પહોંચી કે કારમાં બેઠેલા વરરાજા ઊતર્યા અને જાનને જોઈ રહેલા એક 42 વર્ષના એક શખ્સની બોચી પકડી લીધી. ગામલોકો કંઈ સમજે એ પહેલાં જ એ શખ્સને કારમાં ઘુસાડી દેવાયો અને એ સાથે જ જાનૈયાઓ કાર અને એક મોટરસાઇકલમાં જંગલમાં ગુમ થઈ ગયા.
કોઈ ફિલ્મનો પ્લૉટ હોય એવી આ ઘટનાને અંજામ આપ્યો છે દાહોદની પોલીસે. છેલ્લાં 15 વર્ષથી ગુજરાતમાં દારૂનો ધંધો કરતા અને મધ્યપ્રદેશમાં છુપાઈ જનારા ગુજરાતના મોસ્ટ વૉન્ટેડ બૂટલેગર પીડિયા સંગાદિયાને પકડવા દાહોદ પોલીસે આ રીતે 25 જાનૈયા અને વરરાજાનો સ્વાગ રચ્યો હતો. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર બુટલેગર વિરુદ્ધ 144 ગુના નોંધાયેલા છે અને બન્ને રાજ્યો(ગુજરાત અને મધ્યપ્રદેશ)ની પોલીસને એને શોધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સંગાદિયા પર ગુજરાતમાં 2 કરોડથી વધારે રૂપિયાનો દારૂ ઘુસાડવાનો આરોપ છે.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ગોવાળી પતરા ગામમાં રહેતા સંગાદિયા પર મધ્ય ગુજરાત સુધી દારૂ પહોંચાવાનો આરોપ છે. બન્ને રાજ્યોની સરહદ પર આવેલાં ગામડાંમાં એની સારી પકડ હોવાનું પોલીસનું જણાવવું છે. સામાન્ય રીતે અહીં છુટાંછવાયાં ગામડાં આવેલાં છે અને આ ગામડાંમાં આરોપી જંગલના રસ્તે ગેરકાયદે દારૂ ઘુસાડતો હોવાનું પોલીસ જણાવે છે.
પોલીસે ડી.જે. ભાડે કર્યું અને નકલી જાન કાઢી
દાહોદ એલસીબીના પી.એસ.આઈ. એમ. એલ ડામોર આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "દાહોદ નજીક લોકો પગપાળા મધ્યપ્રદેશની સરહદ પાર કરી લે છે. અહીંનાં જંગલ અને અંતરિયાળ, ડુંગરાળ પ્રદેશમાંથી પીડિયા સંગાદિયા મોટા પાયે ગુજરાતમાં દારૂ લાવતો હતો. એના વિરુદ્ધ માત્ર ગુજરાતમાં જ નહીં, મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં પણ ગુના નોંધાયેલા છે. મધ્યપ્રદેશની પોલીસ એને શોધી રહી હતી."
"જોકે, ઝાબુઆ અને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સારું એવું વર્ચસ્વ હોવાથી એ સરળતાથી બચી જતો. ગુજરાતની પોલીસ એને પકડવા જાય ત્યારે એ મધ્યપ્રદેશ ભાગી જતો અને મધ્યપ્રદેશની પોલીસ એને પકડવા આવે ત્યારે એ ગુજરાતનાં જંગલોમાં સંતાઈ જતો. જંગલના અજાણ્યા તથા કાચા રસ્તેથી એ દારૂની હેરફેર કરતો હતો.. જંગલમાં પોલીસની જીપ પ્રવેશે એટલે એને માહિતી પણ મળી જતી હતી. છેક 2007થી એ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચલાવતો હતો. "
પી.એસ.આઈ. ડામોર જણાવે છે, "અમે દારૂની બદીને રોકવાનું અભિયાન આદર્યું છે. દાહોદ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. ડીંડોરની સૂચના હતી કે ગમે તેમ કરીને આ બૂટલેગરને પકડવો. અમને માહિતી મળી હતી કે પીડિયા સંગાદિયા જંગલમાં આવેલા આલની તલાઈ ગામમાં સંતાયેલો છે. જોકે, અહીં એનું નેકવર્ક એટલું પ્રસરેલું હતું કે એને પકડવા જતી પોલીસની બાતમી એમને પહેલાંથી જ મળી જવાની ભીતિ હતી એટલે અમે જાનૈયાનો સ્વાંગ રચવાનું નક્કી કર્યું. કેમ કે અહીં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે અને લોકો જાનમાં ડી.જે.ના તાલે નાચવાનું ભારે પસંદ કરે છે. "
ડામોર ઉમેરે છે, "બૂટલેગર પર પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. અમે સાદાં કપડાં કપડાંમાં જઈને એને પકડવાનું નક્કી કર્યું. એક કાર ભાડે લીધી અને એને શણગારી. એના પર વૅડિંગ સ્ટિકર લગાડ્યાં. અમારાં એક મહિલા કર્મચારીને દુલ્હનનાં કપડાં પહેરાવ્યાં અને ઇન્સ્પેક્ટર ડામોરે વરરાજાનો સ્વાંગ રચ્યો. કાર ઉપરાંત દસ મોટરસાઇકલ અને 25 પોલીસકર્મીઓની ટીમ જાનમાં જતી જતી હોય એ રીતે માથે સાફા બાંધીને નીકળી. અમે એક ડી.જે. પણ ભાડે લીધું અને આલની તલાઈ ગામ જવા માટે કાચલી માંડલી ગામની તરફ જવાનું શરૂ કર્યું. આ બનાવટી જાનમાં ડી. જે.ના તાલે જાનૈયા બનેલા પોલીસકર્મીઓ ગીતો ગાતા અને નાચતા પણ હતા. મજાની વાત એ હતી કે અમારી સાથે સ્થાનિક લોકો પણ નાચવા લાગ્યા હતા. અમારી પરીક્ષા માંડલી ગામથી શરૂ થવાની હતી. અમે શક્ય હોય એટલું ઝડપથી વાહન હંકાર્યું હતું, જેથી બૂટલેગરને કોઈ બાતમી ના મળી જાય કેમ કે જંગલની અંદર અમારે 750 મીટરનો રસ્તો કાપવાનો હતો."
..અને બૂટલેગરને દબોચી લીધો
આખરે પીડિયા સંગાદિયા જે ઘરમાં સંતાયો હતો ત્યાં જાન પહોંચી અને કુતૂહલવશ એ જાન જોવા માટે બહાર આવ્યો. એ જેવો જ બહાર આવ્યો કે પોલીસ ઇન્સ્પેક્ટર ડીંડોર વરરાજાના વેશમાં કારમાંથી ઊતર્યા અને બૂટલેગર કંઈ સમજે એ પહેલાં જ એને દબોચી લીધો.
આ દરમિયાન અગાઉથી નક્કી થયેલા અનુસાર દુલ્હન બનેલાં મહિલા પોલીસકર્મી ઝડપથી કારની આગળની સીટ પર બેસી ગયાં અને કારને હંકારી મૂકી. અને એ સાથે જ 144 ગુનામાં વૉન્ટેડ આરોપીઓને દાહોદ પોલીસ સ્ટેશન લઈ આવી.
ગુજરાતના સ્ટેટ મૉનિટેરિંગ સેલમાં કામ કરી ચૂકેલા નિવૃત્તે એ.સી.પી. દીપક વ્યાસ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "પીડિયા ઘણા સમયથી અહીંના જંગલ વાટે દારૂની હેરફેર કરતો હતો. અમે એને ઘણી વખત પકડવા ગયા હતા પણ એને પહેલાંથી જ ખબર મળી જતી અને એ જંગલમાં છુપાઈ જતો. દારૂની બૉટલો એ ગામમાં સંતાડી રાખતો. દારૂ રાખવા માટે એ આદિવાસીઓને પૈસા પણ આપતો એટલે આદિવાસીઓમાં એની રૉબિનહૂડ જેવી છાપ હતી. એ દાહોદનાં જંગલોમાંથી દારૂ લાવીને મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ તથા અમદાવાદમાં કિશોર લંગડા નામના બૂટલેગરને વેચતો હતો. કિશોર લંગડાની અમે ધરપકડ કરી ત્યારે એનું નામ ખૂલ્યું હતું."