2 ફેબ્રુઆરી 2014ની આ તસવીર છે, જેમાં ભારતના પૂર્વોત્તર રાજ્યના લોકોએ નવી દિલ્હીના જંતર-મંતર પર કૅન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી અને રંગભેદનો વિરોધ કર્યો હતો કોરોના વાઇરસના કારણે ભારતની ઉત્તર-પૂર્વમાં આવેલાં રાજ્યો આસામ, મણિપુર, નાગાલૅન્ડ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરાના લોકો પર તેમના દેખાવના કારણે અયોગ્ય ટિપ્પણીની ઘટનાઓ સામે આવી છે.
આવી બે ઘટનાઓ ગુજરાતમાં બની, જ્યારે રાજધાની દિલ્હીમાં પણ કેટલાક કિસ્સા સામે આવ્યા. જેમાંથી કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઈ રહી છે. મુબાસ્સીર ઈ. એ ટ્વીટ કર્યું હતું, "દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ઉત્તર-પૂર્વના રાજ્યની એક યુવતી પર તેમના દેખાવને કારણે ટિપ્પણી કરાઈ હતી,." જેના તેઓ સાક્ષી હતા.
તેમણે આ ટ્વીટમાં લખ્યું છે કે "કેટલાક લોકો તે યુવતીને જોઈને 'ગો કોરોના ગો, તું એક વઇરસ છે, તારા દેશ(ચીન) પાછી જતી રહે' એવું કહેતા હતા."
એ જ રીતે મણિપુરના એક રાજકીય ઍક્ટિવિસ્ટ એમન્જેલિકા એરિબમને પણ પોતાના ટ્વીટ્સમાં દિલ્હી પોલીસને ટેગ કરીને જાતીય ટિપ્પણી અંગે ફરિયાદ કરી હતી.
ટ્વિટર પર ચામાચીડિયા ખાવા બાબતેના ટ્રોલ્સ સામે ઝીરો એફઆઈઆર પણ નોંધાઈ હતી.
'મારા મોઢા પર થૂંકીને બૂમ પાડી, કોરોના'
આ અઠવાડિયાની શરૂઆતમાં મણિપુરનાં 25 વર્ષીય સંશોધક રામેશ્વરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમનો આરોપ હતો કે એક પુરુષે તેમના પર થૂંકીને તેમને કોરોના કહીને બોલાવ્યાં હતાં. આ ઘટનાની તસવીરો પણ નૉર્થ-ઈસ્ટ સ્ટુડન્ટ્સના અમુક ફેસબુક ગ્રુપ પર અને ટ્વિટર પર વાઇરલ થઈ હતી.
આ અંગે દિલ્હીના મુખ્ય મંત્રી એરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને દિલ્હી પોલીસને કડક પગલાં લેવાં કહ્યું હતું.
આ ઘટના વિશે વાત કરતાં રામેશ્વરીએ બીબીસીને જણાવ્યું, "રવિવારે જનતા કર્ફ્યુ નવ વાગ્યે પૂરો થયો તે પછી હું અને મારી રૂમમેટ થોડો સામાન લેવા બહાર નીકળ્યાં હતાં."
"એ જગ્યા અમારા પીજીથી બહું દૂર નહોતી, અમે ચાલતાં-ચાલતાં પરત આવી રહ્યાં હતાં."
"રસ્તા પર બહું ઓછા લોકો હતા. સામેની તરફથી સ્કૂટી પર એ આવી રહ્યો હતો. તેણે સ્પીડ ઓછી કરી અને અમે ચાલતાં હતાં, તે બાજુ જ તે આવતો હતો."
"મને અણસાર આવ્યો કે તે કંઈક અજુગતી હરકત કરશે અથવા કંઈક બોલશે. તેમનું સ્કૂટર વધારે નજીક આવ્યું અને તેણે મારા મોઢા પર થૂંક્યું. તેમના મોઢામાં પાન હતું. દુર્ગંધ આવતી હતી."
"મારા ચહેરા પર, મારા વાળમાં, મારા ટી-શર્ટ પર, મેં જે માસ્ક પહેર્યો હતો તેના પર પણ થૂંક ઊડ્યું હતું. મારી મિત્રના ટી-શર્ટ પર પણ છાંટા ઊડ્યા હતા. જતાં-જતાં એણે બૂમ પાડી - કોરોના."
"અમે તેમને પકડવા પાછળ દોડ્યાં, થૂંક મારી આંખમાં પણ ગયું હતું એટલે મને આંખોમાં બળતરા થતી હતી."
તેઓ કહે છે, "સૌથી પહેલો વિચાર એ આવ્યો કે શું તે વ્યક્તિને કોરોનાનાં લક્ષણો હશે કે બીજી કોઈ બીમારી હશે. અમને ચેપ લાગશે તો?"
"હું ખૂબ ગભરાયેલી હતી. હું અને મારી મિત્ર ઘરે પહોંચ્યાં અને નાહી લીધું. લગભગ 9:40ની આસપાસ અમે પોલીસસ્ટેશન ગયાં. જ્યાં મણિપુરી સ્ટુડન્ટ ઍસોસિયેશનની મદદથી ફરિયાદ નોંધાવી હતી."
M.Phil. નો અભ્યાસ કરી રહેલાં રામેશ્વરી એ ઉમેર્યું કે "અમારા જેવા નૉર્થ-ઈસ્ટના લોકો જે ભારતનાં મોટાં શહોરોમાં આવીને ભણે છે કે કામ કરે છે. તેમણે સતત આવી ભેદભાવો અને ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે."
"લોકો અમને ચિંકી, મોમો, નેપાલી કહીને બોલાવે છે. જે મારી સાથે થયું તે માત્ર એક ઘટના છે આવા અનેક કિસ્સાઓ તમને મળી રહેશે."
"કોરોના વાઇરસની સાથે-સાથે મને હવે આવા જાતિભેદ કરનારા ભારતીયોથી પણ ડર લાગે છે."
બીબીસી સાથે વાત કરતાં મણિપુરી સ્ટુડન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ ચિંગખેઈ શાઇખોમને જણાવ્યું કે આ ઘટનામાં અમે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ગયા, ત્યારે શરૂઆતમાં થોડી મુશ્કેલી આવી પણ અંતે પોલીસે એફઆઈઆર નોંધી.
તેઓ કહે છે કે આ એફઆઈઆર આઈપીસીની કલમ 509 (એક મહિલાને શબ્દો કે ક્રિયા દ્વારા નુક્સાન પહોંચાડવા બદલ) હેઠળ નોંધવામાં આવી છે. પ્રશ્ન એ જ છે કે ભારતમાં નૉર્થ-ઈસ્ટના લોકો સાથે થતાં જાતિવાદી ભેદભાવ વિરૂદ્ધ કોઈ કાયદો નથી.
તેઓ વધુ જણાવતાં કહે છે કે આવા કિસ્સામાં લડત આપવા માટે કાયદો આવશ્યક છે. પણ સરકાર કહે છે કે ભારતમાં આવો જાતિવાદ થતો જ નથી, એટલે આવા કાયદાની કોઈ જરૂર નથી. અમે વર્ષોથી આ માટે લડી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે બુધવારે દિલ્હી પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજની મદદથી 40 વર્ષીય પુરુષની ધરપકડ કરી હતી.
ગુજરાતમાં પણ આવા બે કિસ્સાઓ નોંધાયા છે.
'અમને જબરજસ્તી સરકારી ક્વોરૅન્ટીનમાં લઈ જવાયા'
અકરોપેલ અકામી (24) ઉર્ફે કેથી, નાગાલૅન્ડનાં એક યુવતી છે જેઓ પોતાના નવ મિત્રો સાથે સોલા રોડ સ્થિત એક ઇન્ટરનેશનલ કૉલ-સેન્ટરમાં કામ કરે છે.
શુક્રવાર 20મી માર્ચે દરરોજની જેમ તેઓ સાંજે પોતાના કામના સ્થળે પહોંચ્યાં.
જો કે ત્યારે પોલીસની એક ટીમ પણ ત્યાં પહોંચી અને આ તમામ લોકોને એક ઍમ્બુલન્સમાં બેસાડીને નવરંગપુરા ખાતેના સ્પૉર્ટસ-ક્લબના સરકારી ક્વોરૅન્ટીન સૅન્ટરમાં લઈ જવામાં આવ્યાં.
અકામીને જાણવા મળ્યું હતું કે કોઈ વ્યક્તિએ કોરોનાની હેલ્પલાઇન પર ફોન કરીને કહ્યું હતું કે અમુક ચીની લોકો આ ઑફીસમાં કામ કરે છે અને તેમને કોરોના હોઈ શકે છે.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ચીનથી પ્રવાસ કરીને અહીં આવ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની એક ટીમ અને અમદાવાદ પોલીસની એક ટીમ આ લોકોને લઈ ગઈ હતી અને કોરોના વાઇરસની અસરનાં કોઈ પણ લક્ષણો ન હોવા છતાં તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં તેમના રિપોર્ટ નૅગેટીવ આવ્યા હતા. બીજે દિવસે તેમને પોલીસ ઘરે પરત મૂકી ગઈ હતી.
જો કે તે પહેલાં અકામીએ નાગા ભાષામાં એક વીડિયો બનાવીને પોતાના મિત્રોને મોકલ્યો હતો, જે વીડિયો વાઇરલ થઈ જતાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત બીજા અધિકારીઓ સ્પૉર્ટ્સ-ક્લબ ખાતે દોડી આવ્યા હતા અને તેમને સલામત રીતે પરત તેમના ઘરે મોકલી દીધા હતા.
બીબીસી સાથે વાત કરતાં અકામી કહે છે, "અમે વારંવાર તેમને કહેતાં હતા કે અમે છેલ્લાં ચાર વર્ષથી અમદાવાદમાં જ રહીએ છીએ, અમે ચીની નથી, ભારતીય છીએ, પરંતુ તેમણે અમારી વાત જ ન માની."
"અમે સ્વસ્થ હતાં છતાં અમારે લગભગ 20 કલાક સુધી સરકારી ક્વોરૅન્ટીનમાં રહેવું પડ્યું હતું."
"અમે જ્યારે રસ્તા પર જઈએ તો લોકો અમને કોરોના-કોરોના કહી ખીજવે છે."
તેઓ કહે છે કે તેમને ખબર નથી કે હવે તેમના જેવા લોકોનું શું થશે.
"અમને ખબર જ નથી પડી રહી કે આ સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવીએ, લોકો અમને સતત પરેશાન કરે છે."
જો કે આ ઘટના બાદ હવે તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે વિચારી રહ્યાં છે.
તેઓ કહે છે કે અગાઉ લોકો અમને જોઈને ચીની કહીને અપમાન કરતા હતા, પરંતુ હવે આવા લોકોના શબ્દકોશમાં કોરોના નામના એક વધારાનો શબ્દ ઉમેરાઈ ગયો છે.
અકામી કહે છે કે અમદાવાદ જેવા વિકસિત શહેરમાં પણ અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે બીબીસી ગુજરાતીએ એએમસીના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે તેમને આવી ફરિયાદ મળી હતી અને તેમની ટીમ પોલીસ સાથે ત્યાં પહોંચી હતી. તેમણે એવું પણ કહ્યું, "ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમને કોરોના હોઈ શકે છે માટે તેમની તપાસ કરવામાં આવી હતી."
જો કે આ અધિકારીએ પછી કહ્યું કે એ પછી આ તમામ લોકોને સલામત રીતે તેમના ઘરે મોકલી દેવાયાં હતાં.
'ગો કોરોના ગો, ઘર ખાલી કરો'
આ ઘટનાને હજી બે દિવસ માંડ થયા, ત્યાં અમદાવાદના સોલા પોલીસસ્ટેશનની હદમાં આવેલી અજંતા-ઇલોરા સોસાયટીમાં નૉર્થ-ઈસ્ટની કેટલીક છોકરીઓને મકાનમાલિક જબરજસ્તી ઘરથી બહાર કાઢી રહ્યાં છે તેવી ઘટના સામે આવી.
આ છોકરીઓ સ્પામાં નોકરી કરે છે, જો કે મકાન લીધાના બીજે જ દિવસે તેમને ઘર ખાલી કરવા માટે મજબૂર કરાઈ રહી હતી.
લગભગ છ છોકરીઓનું આ ગ્રૂપ નાગાલૅન્ડના દિમાપુરથી આવીને અમદાવાદમાં છેલ્લાં ચાર વર્ષથી કામ કરે છે.
જો કે જ્યારે તેઓ એક નવી જગ્યાએ રહેવા માટે ગયાં તો આસપાસના લોકોને લાગ્યું કે આ ચીનથી આવેલા લોકો છે અને કોરોના વાઇરસ લઇને આવ્યાં છે.
આ પાડોશીઓએ મકાનમાલિકને જબરજસ્તી આ તમામ છોકરીઓને ઘરથી બહાર કાઢવાની વાત કરી હતી. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં 26 વર્ષીય લીવા એસ્સુમી (જેમનાં બહેન લીકા આ મકાનમાં રહેતાં હતાં) એ કહ્યું કે જ્યારે તેઓ તેમનાં બહેન પાસે પહોંચ્યાં તો તેઓ ખૂબ રડી રહ્યાં હતાં.
તેઓ કહે છે, "લોકો કહેતા હતા કે અમે ચીનથી આવ્યાં છીએ અને અહીં નહીં રહેવા દે. જ્યારે કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે લોકો તેમને કોરોના વાઇરસથી સંક્રમિત કરીશું."
લીવાએ કહ્યું કે ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ હતી, જે પછી લોકોનો આક્રોશ ઘટ્યો હતો. જો કે અમને ખબર છે કે આ પ્રકારની ઘટનાઓ અહીં અટકશે નહીં, અને હજી વધશે.
આ ઘટના સમયે સ્થળ પર પહોંચનારા સોલા પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. જાડેજા સાથે બીબીસી ગુજરાતીએ સંપર્ક કર્યો હતો.
તેમણે આ તમામ છોકરીઓને સાંત્વના આપીને કહ્યું હતું કે તેઓ પણ આ દેશના નાગરિક છે અને તેમને કોઈ પણ તકલીફ થાય તો તેઓ પોલીસનો સીધો સંપર્ક કરી શકે છે.
તેમણે કહ્યું, "મેં આસપાસના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ આપણા જ લોકો છે અને કોઈ ચીનથી નથી આવ્યાં. મેં તેમને ચેતવણી પણ આપી છે કે જો તેઓ આ છોકરીઓને ફરીથી પરેશાન કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
જો કે આ પ્રકારના રેસીઝમના બનાવો ગુજરાત માટે નવા નથી.
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં નૉર્થ-ઇસ્ટના વિદ્યાર્થીઓ અવાર-નવાર આવી ઘટનાઓનો સામનો કરે છે.
નોન્થાંગ થોન્ગમ મૂળ મણિપુરથી છે અને વડોદરાના મણિપુર સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્ય છે.
તેઓ કહે છે કે વડોદરામાં પણ તેમને કોરોનાની મહામારી પછી રસ્તાઓ પર અનેક લોકો 'કોરોના-કોરોના' કહીને બોલાવે છે.
તેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ આખા દેશમાં જોવા મળી રહી છે. અમને અલગ-અલગ લોકોના મૅસેજ આવે છે અને જાણવા મળે છે કે કોરોનાના ફેલાવા પછી નૉર્થ-ઈસ્ટના લોકોની સતામણી વધી ગઈ છે.
જોકે થોન્ગમે પણ વડોદારા પોલીસને આવી ઘટનાઓ અંગે સંપર્ક કર્યો છે અને પોલીસે પણ તેમને તમામ પ્રકારની સહાય કરવાની અને કડક પગલાં લેવાની બાંયધરી આપી છે.