રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 એપ્રિલ 2021 (13:05 IST)

ગુજરાતમાં કોરોના : દર મિનિટે લગભગ 10 સંક્રમિત અને પાંચ રિકવર થયા, હૉસ્પિટલો ઊભરાઈ

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં ફરી એક વારે દિવસના સૌથી વધુ કેસો સામે આવ્યા છે.
 
જારી કરાયેલ માહિતી અનુસાર મંગળવારે રાજ્યમાં 14,352 નવા કેસો મળી આવ્યા હતા. તેમજ 170 દર્દીઓનાં દુ:ખદ મૃત્યુ થયાં હતાં.
 
નોંધનીય છે કે મંગળવારે જ રાજ્યની હાઇકોર્ટે કોરોનાની પરિસ્થિતિને લઈને થયેલી સુઓમોટો સુનાવણીમાં હૉસ્પિટલો બહાર લાગેલી લાંબી લાઇનો માટે સરકારની ઝાટકણી કાઢી હતી.
 
જો આંકડાની તપાસ કરવામાં આવે તો પાછલા અમુક દિવસોમાં ગુજરાત રાજ્યના રિકવરી રેટમાં સમગ્રપણે ભારે ઘટાડો નોંધાયો છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 74 ટકા થઈ ગયો હતો.
 
જોકે રાજ્ય સરકાર દ્વારા સતત પરિસ્થિતિ કાબૂમાં લેવાના તમામ પ્રયત્નો કરાઈ રહ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે.
 
મંગળવારના આંકડાના વિશ્લેષણ અનુસાર રાજ્યમાં દર મિનિટે લગભગ દસ વ્યક્તિ સંક્રમિત મળી આવી રહ્યા છે. તો તેની સામે માત્ર પાંચ વ્યક્તિ રિકવર થઈ રહ્યા છે.
 
ઓછા અને ધીમા રિકવરી રેટના કારણે પણ રાજ્યની હૉસ્પિટલોમાં દર્દીઓનું ભારણ વધ્યું હોવાનું નિષ્ણાતો માને છે. બીજી બાજુ કઠણાઈ એ છે કે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં તૈયાર કરાયેલ 900 બેડની હૉસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે રાજ્ય સરકાર દર્દીઓને દાખલ નથી કરી શકી રહી.