શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ સાથેના તેમના જૂના સંબંધો કાપી નાખ્યા છે.
પોતાને કૉંગ્રેસ અને એનસીપીનો સાથ મળશે એવું વિચારીને શિવસેનાએ પોતાના એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતને મોદી સરકારની કૅબિનેટમાંથી રાજીનામું અપાવી દીધું.
શિવસેનાને લાગી રહ્યું હતું કે એનડીએથી અલગ થઈ જવાની શરત પૂર્ણ કર્યા બાદ એનસીપી અને કૉંગ્રેસનું સમર્થન મળી જશે અને તેના હાથમાં રાજ્યની કમાન આવી જશે.
અરવિંદ સાવંતના રાજીનામા બાદ કૉંગ્રેસ અને એનસીપી પણ હરકતમાં આવી. બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને સોમવારની સાંજના સાડા સાત વાગ્યા સુધીમાં બહુમતની ચિઠ્ઠી સોંપવાનો સમય આપ્યો હતો.
સમય પસાર થતો રહ્યો, પરંતુ કૉંગ્રેસનું સમર્થનપત્ર મળ્યું નહીં. વાત ત્યાં સુધી પહોંચી કે ઉદ્ધવ ઠાકરે ખુદ મુખ્ય મંત્રી બનશે.
સૌ સાડા સાત વાગ્યાની રાહ જોઈ રહ્યા હતા કે કૉંગ્રેસનું સમર્થન મળી જશે પરંતુ એવું થયું નહીં.
જ્યારે શિવસેનાએ કૉંગ્રેસની મદદ કરી હતી
શિવસેના અને કૉંગ્રેસ સત્તામાં ક્યારેય સાથે નથી રહી પરંતુ અનેક મુદ્દાઓ પર બંને પાર્ટીઓ એક સાથે રહી છે.
શિવસેના એ પાર્ટીઓમાંની એક છે જેણે 1975માં ઇંદિરા ગાંધીની ઇમર્જન્સીનું સમર્થન કર્યું હતું. ત્યારે બાળ ઠાકરેએ કહ્યું હતું કે ઇમર્જન્સી દેશના હિતમાં છે.
ઇમર્જન્સી ખતમ થયા બાદ મુંબઈ નગરપાલિકાની ચૂંટણી થઈ, બંનેમાંથી એક પણ પાર્ટીને બહુમતી મળી નહીં.
જે બાદ બાળ ઠાકરેએ મુરલી દેવરાને મેયર બનવા માટે સમર્થન આપ્યું હતું.
1980માં કૉંગ્રેસને ફરી એકવાર શિવસેનાનું સમર્થન મળ્યું. બાળ ઠાકરે અને સિનિયર કૉંગ્રેસ નેતા અબ્દુલ રહેમાન અંતુલે વચ્ચે સારા સંબંધો હતા અને બાળ ઠાકરેએ તેમને મુખ્ય મંત્રી બનાવવામાં મદદ કરી હતી.
1980ના દાયકામાં ભાજપ અને શિવસેના બંને સાથે આવ્યા બાદ બાળ ઠાકરેએ ખુલીને ભાગ્યે જ કૉંગ્રેસને સમર્થન આપ્યું પરંતુ 2007માં ફરી એકવાર રાષ્ટ્રપતિ પદનાં કૉંગ્રેસનાં ઉમેદવાર પ્રતિભા પાટિલને સમર્થન આપ્યું ના કે ભાજપના ઉમેદવારને.
શિવસેનાએ પ્રતિભા પાટિલને મરાઠી હોવાના તર્ક પર ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું નહીં.
પાંચ વર્ષ બાદ ફરી શિવસેનાએ કૉંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખરજીને સમર્થન આપ્યું. બાળ ઠાકરે શરદ પવારને વડા પ્રધાન બનાવવા માટે સમર્થન આપવાની ઘોષણા કરી ચૂક્યા હતા.
શિવસેનાનો આગ્રહ પરંતુ ન વધી સમયસીમા
શિવસેનાએ રાજ્યપાલને સમય વધારવાનો આગ્રહ કર્યો પરંતુ ત્યાંથી પણ સેનાને નિરાશા સાંપડી.
આદિત્ય ઠાકરે ઇચ્છતા હતા કે તેમને વધુ બે દિવસનો સમય મળવો જોઈએ.
શિવસેનાના નેતા સંજય રાઉત સોમવાર બપોર સુધી સેનાના મુખ્ય મંત્રી હશે એવી ઘોષણા કરતા રહ્યા અને અચાનક બીમાર પડ્યા અને હૉસ્પિટલમાં ભરતી થઈ ગયા.
સાડા સાત બાદ શિવસેનાના હાથમાંથી બાજી નીકળી ગઈ અને સરકાર બનાવવાનું સપનું હાલ પૂર્ણ થઈ શક્યું નહીં.
શિવસેનાએ બધી મહેનત કર્યા બાદ, ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ પણ તેમની સરકાર બની શકી નહીં.
એનસીપીના હાથમાં બાજી
એનસીપીના ધારાસભ્યોની સંખ્યાને જોતાં રાજ્યમાં તે ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. જોકે, બીજી સૌથી મોટી પાર્ટી શિવસેના અને એનસીપીમાં માત્ર બે બેઠકોનું અંતર છે.
શિવસેના પાસે 56 ધારાસભ્યો છે જ્યારે એનસીપી પાસે 54 ધારાસભ્યો છે. સરકાર બનાવવા માટે કુલ 145 ધારાસભ્યોની જરૂરિયાત છે, જે રાજ્યમાં એક પણ પાર્ટી પાસે નથી.
રાજ્યપાલ પાસેથી આમંત્રણ મળ્યા બાદ એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું, "રાજ્યપાલે અમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. અમને 24 કલાકનો સમય મળ્યો છે."
"કૉંગ્રેસ અમારી સહયોગી પાર્ટી છે અને અમે સૌથી પહેલાં તેની સાથે વાતચીત કરીશું. જે બાદ જ કોઈ નિર્ણય આવી શકશે."
જો કોઈ પણ પક્ષ રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ નહીં થાય તો રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરશે.
કૉંગ્રેસને કારણે શિવસેના પાસેથી સમય સરકી ગયો
શિવસેનાને રાજ્યમાં સત્તા અને એનસીપી અને કૉંગ્રેસને રાજ્યમાં ભાજપને સત્તાથી બહાર રાખવાની લાગણીને કારણે વિચારોમાં ભિન્નતા હોવા છતાં આ પક્ષો સાથે આવવા માટે તૈયાર થયા.
જોકે, સોમવારે શિવસેનાના બાજી મારી જશે એવું લાગવા છતાં અંતિમ સમયે કૉંગ્રેસે બાજી પલટી નાખી.
સોમવારે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી પરંતુ તેમાં કોઈ નિર્ણય લેવાયો નહીં.
શિવસેનાને બહારથી સમર્થન આપવું કે સરકારમાં સામેલ થવું તે મામલે કૉંગ્રેસ અવઢવમાં રહી.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પાર્ટીએ નિવેદન જાહેર કરીને કહ્યું, "મહારાષ્ટ્ર મામલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની વિસ્તારથી ચર્ચા થઈ. સોનિયા ગાંધીએ એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે પણ વાત કરી. પાર્ટી એનસીપી સાથે હજી વધારે વાત કરશે."
શિવેસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે વાત થઈ પરંતુ કૉંગ્રેસ સમર્થન આપવા મામલે કોઈ નિર્ણય લઈ શકી નહીં.