ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અરવિંદ મોહન , બુધવાર, 11 ડિસેમ્બર 2019 (10:33 IST)

CAB : અમિત શાહે કયા આધારે કહ્યું કે વિભાજન માટે કૉંગ્રેસ જવાબદાર - દૃષ્ટિકોણ

નાગરિકતા સંશોધન બિલ રજૂ કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં એવો આક્ષેપ કર્યો, જેનો પડઘો લાંબા સમય સુધી પડતો રહેશે. 
 
તેમણે કહ્યું, "આ ખરડો એટલા માટે રજૂ કરવો પડ્યો, કેમ કે કૉંગ્રેસે ધર્મના આધારે વિભાજન સ્વીકારી લીધું. કૉંગ્રેસ એવું ન કર્યું હોત તો આ બિલ લાવવાની જરૂર નહોત."
 
લાલકૃષ્ણ અડવાણીએ પાકિસ્તાન પ્રવાસ વખતે ઝીણા વિશે જે નિવેદન કર્યું હતું તેના જેવી જ વાત અમિત શાહે કરી છે. અડવાણીએ કહ્યું હતું કે ઝીણા સેક્યુલર હતા.
 
કૉંગ્રેસ પોતાને આઝાદી આંદોલનની એકમાત્ર વારસાદાર સંસ્થા ગણાવતી રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બે કોમનો સિદ્ધાંત આપનાર સાવરકરના રાજકીય વારસદાર તરફથી કહેવામાં આવેલી આ વાતનો કેવો જવાબ કૉંગ્રેસ આપે છે. કૉંગ્રેસ જે પણ પ્રતિક્રિયા આપે, આ બધું જોઈને ઝીણાનો આત્મા જો હોય તો, જ્યાં પણ હશે ત્યાં ખુશ થતો હશે. (પોતાને સેક્યુલર કહેવાયા હતા તેનાથી પણ વધુ ખુશી કદાચ તેને થશે.)
 
તેમના આત્માને ખુશી થશે કે આઝાદીનાં 72 વર્ષ પછી તો પછી, પણ આખરે હિંદુસ્તાનની સંસદે હિંદુ અને મુસ્લિમનો ભેદ કાનૂની રીતે માની લીધો. સાથે જ બિનમુસ્લિમોને વિશેષ દરજ્જો પણ આપ્યો છે.
 
નાગરિકતા સંશોધન બિલ : રાજ્યસભાનાં સમીકરણો શું છે?
 
વિનાયક દામોદર સાવરકર
 
બિનમુસ્લિમની સંઘ પરિવારની વ્યાખ્યા શું છે અને તે કઈ રીતે મુસ્લિમ વિરોધી રાજકારણને અનુરૂપ છે, તે કહેવાની જરૂર નથી.
 
બહુ ઓછો લોકો જાણે છે કે બે કોમનો સિદ્ધાંત (ટૂ નેશન થિયરી) અલ્લામા ઇકબાલે આપ્યો હતો. તેને મુસ્લિમ લીગે સ્વીકારી લીધો હતો અને ભારે ધમાલ અને રમખાણો અને કરોડો લોકોના જીવનને બરબાદ કરીને, અંગ્રેજોનો સહકારથી મોહમ્મદ અલી ઝીણાએ તે સિદ્ધાંતને પાર પાડ્યો હતો.
 
પરંતુ એક સત્ય તો એ જ છે કે બે રાષ્ટ્ર કે કોમના સિદ્ધાંતના જનક વિનાયક દામોદર સાવરકર હતા.
 
બે રાષ્ટ્રનો સિદ્ધાંત
 
સાવરકર હિંદુ મહાસભાના નેતા હતા અને હિંદુવાદી વિચારધારા શરૂ કરનારા અગ્રણી નેતા હતા.
 
આઝાદીની લડાઈ દરમિયાન હિંદુવાદી અને ઇસ્લામી પ્રવાહો મોટા ભાગે હાંસિયામાં જ રહ્યા હતા, પરંતુ આ સિદ્ધાંતનો અમલ થયો ત્યાં સુધી સાવરકર હિંદુવાદી ધારાના પ્રમુખ હતા અને બે કોમ-બે દેશને આધારે વિભાજન થયું, રમખાણો થયાં તે પહેલાં સાવરકર જેલમાંથી બહાર આવી ચૂક્યા હતા.
 
તેઓ માફી માગીને જેલમાંથી બહાર આવ્યા હતા અને ત્યારબાદ તેમની મોટા ભાગની ગતિવિધિઓ અંગ્રેજી હકૂમતને માફક આવે તેવી જ રહી હતી.
 
જોકે કોમવાદી વિચારધારા અને રમખાણો તથા વિભાજન માટે સાવરકર અને તેમની હિંદુત્વ મંડળીને (જેમાં રાષ્ટ્રીય સેવક સંઘ એ વખતે હજી નાનો ખેલાડી હતો) જવાબદાર ગણાવવી તે તેમને વધારે પડતો 'જશ' આપવા સમાન ગણાશે.
 
આનો મુખ્ય જશ ઝીણાને, મુસ્લિમ લીગને અને સત્તા માટે ઉતાવળા થઈ રહેલા કૉંગ્રેસીઓને જ આપવો રહ્યો.
 
આ લોકો સામે ગાંધી અને પોતાને તેમના અનુયાયી ગણાવનારા કૉંગ્રેસી નેતાઓ પણ (જેમાં તે વખતના કૉંગ્રેસના પ્રમુખ જે. બી. કૃપલાણી પણ સામેલ હતા) લાચાર થઈ ગયા હતા અને વિભાજન સ્વીકારી લેવું પડ્યું હતું. એકમાત્ર ખાન અબ્દુલ ગફાર ખાને વિભાજનના વિરોધમાં મત આપ્યો હતો.
 
ઝીણા અને લિયાકત વિરુદ્ધ તો અનેક ગ્રંથો લખાયા છે. તે જ રીતે કૉંગ્રેસીઓમાંથી કોણ કઈ તરફ હતું અને કોણે નાનો અને કોણે મોટો ગુનો કર્યો તેની ચર્ચા મૌલાના આઝાદનું પુસ્તક ઇન્ડિયા વિન્સ ફ્રીડમ બહાર આવ્યું તે પછી કેટલાંય પુસ્તકોમાં ચાલતી જ રહી છે.
 
ડૉ. લોહિયાના 'ભારત વિભાજન કે અપરાધી' પુસ્તકમાં કૉંગ્રેસમાંથી કોનો વાંક હતો તેના પર જ વધુ લખાયું હતું. તે જ રીતે જે. બી. કૃપલાણીએ પોતાની આત્મકથામાં ઘણી જગ્યાએ આઝાદીની બાબત અંગે જ લખ્યું છે.
 
 
રામ મનોહર લોહિયા
રાજમોહન ગાંધીએ 'ઇન્ડિયા વિન્સ એરર' એવું પુસ્તક લખીને આઝાદે લખેલા પુસ્તકને એક પ્રકારનું કાવતરું જ ગણાવી દીધું હતું.
 
લીગ અને કૉંગ્રેસના નેતાઓ સિવાય પણ બે ટકાની હેસિયત ધરાવનારા વિભાજનવાદી કે કોમવાદી તત્ત્વો હતા, જેમણે વિભાજનને ઉત્તેજન આપ્યું હતું. તેમાં સંઘ પરિવાર, રાજ-રજવાડાં, સામ્યવાદીઓ અને શીખોના પ્રતિનિધિ હોવાનો દાવો કરનારા લોકોનો સમાવેશ થઈ જાય છે.
 
રજવાડાં છેક સુધી દાવપેચ કરતાં રહ્યા હતા અને કાશ્મીરનો મામલો ગૂંચવાયો તેમાં પણ તેના મહારાજાની ભૂમિકા જ વધારે હતી, પણ તેની ભાગ્યે જ યોગ્ય રીતે ચર્ચા થઈ છે. બીજા ડઝનબંધ રજવાડાંની દાનત પણ ખોરી હતી, પરંતુ સરદાર પટેલે મામલો સંભાળી લીધો હતો.
 
હવે ભલે ઐતિહાસિક ભૂલ ગણાવાતા હોય પણ કૉમરેડ લોકો પણ કોમવાદી વિચારસરણીને સાચી જ માનતા હતા.
 
સના મારિન : કોણ છે દુનિયાનાં સૌથી નાની વયનાં PM?
 
મહારાજા હરિ સિંહ
રસપ્રદ યોગાનુયોગ એ છે કે ઝીણા-લિયાકત-લીગની સક્રિયતા વધી, કૉંગ્રેસમાં ગાંધીનો અનાદર વધવા લાગ્યો, સંઘ પરિવાર સક્રિય થયો, કેટલાંક દલિત જૂથો પણ સળવળવાં લાગ્યાં અને રજવાડાંઓ કાવતરાં ઘડવાં લાગ્યાં, તે પછી બાબતો ગાંધીજીના મીઠા સત્યાગ્રહના સફળ પ્રયોગ પછી જ શરૂ થઈ હતી.
 
મીઠા સત્યાગ્રહમાં ગાંધીના અનુયાયીઓને બહુ મુશ્કેલી વેઠવી પડી હતી.
 
સેના તરફથી હવાઈ બૉમ્બમારો પણ સહન કરવો પડ્યો હતો, પરંતુ સત્યાગ્રહ સફળ રહ્યો પછી ખ્યાલ આવી ગયો કે બ્રિટિશ હકૂમત હવે લાંબી ચાલી શકે તેમ નથી.
 
તેનાં બે પરિણામ આવ્યાં : ગાંધી - ઇરવિન સમજૂતી થઈ અને ઘણાં બધાં જૂથો પોતપોતાની રીતે સક્રિય થયાં.
 
સાથે જ કૉંગ્રેસની અંદર જ રહેલા સત્તાના લોભી લોકોનો વ્યવહાર પણ બદલાવા લાગ્યો.
 
આ બધાં જૂથો અને તત્ત્વોને બ્રિટિશ અમલદારો અને તંત્ર તરફથી મદદ મળવા લાગી હતી અને તેમની ઉશ્કેરણી થવા લાગી હતી તે સ્પષ્ટ લાગે છે.
 
ગાંધીથી તેમના જ અનુયાયીઓ દૂર થવા લાગ્યા અને શાસકોએ ગાંધી-ઇરવિન સમજૂતીને કોરાણે કરી દીધી. (આ સમજૂતીથી બ્રિટિશ સત્તાએ કોઈને કોઈ રીતે ગાંધી અને કોંગ્રેસને આ દેશના જનપ્રતિનિધિ ગણી લીધા હતા.)
 
એટલું જ નહીં, ગાંધી અને કૉંગ્રેસ અને દેશને હાનિ પહોંચાડી શકે તેવાં દરેક પરિબળોને ઉશ્કેરવાનું શરૂ થઈ ગયું હતું.
 
આઝાદી પછી કૉંગ્રેસી શાસકોએ તે વખતના બધા દસ્તાવેજો સાર્વજનિક નથી કર્યા, નહીં તો આ બધાના ચહેરા ખુલ્લા પડી ગયા હોત.
 
કદાચ એવું પણ હતું કે તે વખતે સત્તામાં બેઠેલા કેટલાક લોકોના પગની નીચે પણ રેલો આવે તેમ હતો.
 
આ ચક્કરમાં ગાંધીહત્યાની તપાસ માટે બેઠેલી કપૂર સમિતિના અહેવાલને પણ દબાવી રખાયો હતો.
 
 
પરિવર્તન
 
30 જાન્યુઆરી, 1948માં નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીને ગોળી મારી હતી.
આ પ્રયાસોને કારણે ગાંધીને એકલા પાડી દેવામાં વધુ સમય લાગ્યો નહોતો. જોકે એ વાત જુદી છે કે મૃત્યુ સુધી અને મૃત્યુ બાદ પણ ગાંધીજીને એક કોરાણે કરી શકાયા નથી.
 
ગાંધીજીએ કૉંગ્રેસનું સભ્યપદ માત્ર દેખાવ ખાતર જ નહોતું છોડ્યું. મીઠા સત્યાગ્રહ માટે કૉંગ્રેસને તૈયાર કરવામાં તેમને મુશ્કેલી નડી હતી.
 
પરંતુ 'ભારત છોડો' આંદોલન માટેનો ઠરાવ કૉંગ્રેસમાં કરાવવા માટે તેમને લગભગ આખું વર્ષ લાગી ગયું હતું.
 
ભારત છોડો આંદોલનથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે દેશની સામાન્ય જનતા કઈ તરફ છે, અને લીગ-સંઘ, સામ્યવાદીઓ, રજવાડાં, દલિતતરફી જૂથો અને સત્તાના ઇશારે કામ કરનારા લોકો કઈ તરફ છે.
 
1942 પછી આ ખેલ ખુલ્લેઆમ થવા લાગ્યો હતો. જે કૉંગ્રેસીઓ સરકારોમાં જોડાયા, તે લોકો કોઈ પણ ભોગે સત્તામાંથી બહાર નીકળવા માગતા નહોતા. તે લોકોના સીધા સંબંધો બ્રિટિશ શાસન સાથે ગોઠવાઈ ગયા હતા.
 
જોકે આમાંથી કેટલાક લોકોને બિચારાને જેલમાં પણ જવું પડ્યું હતું, પરંતુ સમગ્ર ખેલ પાડનારા લીગના નેતાઓ તો શાસનના ઇશારે કામ કરતા રહ્યા અને ગોરા અમલદારોના સહયોગથી ધાર્યું કરીને બધાને પરેશાન કરી મૂક્યા હતા.
 
તે સિવાયની જમાત રમખાણો કરાવ્યાં સિવાય બીજું કશું કરી શકવાની ત્રેવડમાં નહોતી.
 
તે લોકોએ ગાંધીની હત્યા અને તેમની અંતિમયાત્રામાં આડાઅવળા નારા પોકાર્યા હતા. આવી જમાતોમાંથી કોઈની આઝાદી આંદોલનમાં ધરપકડ થઈ હોય કે જેલમાં ગયા હોય તેવી આશા રાખવી વધારે પડતી ગણાય.
 
લીગને એક હિસ્સામાં સત્તા મળી ગઈ. જેઓ પાકિસ્તાન ના ગયા, તે લીગના ટેકેદારોએ 15 ઑગસ્ટે લીગનો ઝંડો હઠાવીને તિરંગો લહેરાવી દીધો.
 
પરંતુ સંઘને તિરંગો અપનાવતા બહુ વાર લાગી હતી.
 
 
આસામ સહિત ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહ્યાં છે.
તે પછી શું શું થયું તેના કિસ્સા બહુ લાંબા છે. પરંતુ ભારત સરકાર અને સંસદ ધર્મના આધારે નાગરિકતા આપવામાં ભેદભાવ કરનારો ખરડો પસાર કરે તો તે વખતની બે કોમની વિચારસરણીનો રાષ્ટ્રીય સ્વીકાર કરવા જેવું જ ગણાય.
 
સ્પષ્ટ છે કે ઝીણાની સાથે જ વિભાજનવાદી બ્રિટિશ હકૂમતના લોકોનો આત્મા પણ બહુ ખુશ થતો હશે.
 
કૉંગ્રેસે આટલો લાંબો સમય શાસન કર્યું, પણ તે દરમિયાન આવી પ્રવૃત્તિને અટકાવવા કે તેને ખુલ્લી પાડવા માટે હકીકતો કેમ બહાર ના લાવી તે અલગથી બતાવવાની જરૂર નથી.
 
તેના કારણે જો આજે અમિત શાહ વિભાજન માટે કૉંગ્રેસને જ જવાબદાર ગણાવતા હોય તો તેના માટેના આધાર કૉંગ્રેસીઓએ જ તેમને ઊભો કરી આપ્યો છે.