સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ડૉ. જય નારાયણ વ્યાસ|
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (17:49 IST)

Budget 2020-21 : નરેન્દ્ર મોદીની સરકાર માટે આ રીતે છે આકરી કસોટી

1 ફેબ્રુઆરી, 2020 આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ દિવસો ક્યાં વીતી જશે તેની ખબર પણ નહીં પડે. 1 ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2020 માટેનું મોદી સરકારનું અંદાજપત્ર રજૂ કરશે. 
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લોકોને બજેટ અંગે વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કર્યા છે.
 
આ અંદાજપત્ર કેવું હશે? નાણામંત્રી શું નવા કરવેરા નાખશે? નવી કઈ યોજનાઓની જાહેરાત કરશે? આવકવેરામાંથી મોટાપાયે મુક્તિ આપશે કે કેમ?
 
શું કરશે નાણામંત્રી? આ પ્રશ્ન અત્યારે કોર્પોરેટ જગતથી માંડી કરદાતાઓ અને વેપારી જગતથી માંડી નોકરીયાતો અને ગૃહિણીઓ, સૌના મગજમાં એક સરખો ઘુમરાઈ રહ્યો છે.
 
નાણામંત્રીનું અંદાજપત્ર રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે દેશની આર્થિક આબોહવા કેવી છે તે ખૂબ અગત્યનો મુદ્દો બની રહે છે.
 
નાણામંત્રી પાસે શું વિકલ્પો છે તેની લગભગ સમજ આજની અર્થવ્યવસ્થાને સમજીએ તો મળી રહેશે.
 
આપણે આજે વૈશ્વિકરણના યુગમાં જીવીએ છીએ એમાં અમેરિકા કે ચીનનું ટ્રેડ વોર હોય કે પછી અત્યંત સ્ફોટક પરિસ્થિતિ તરફ જઈ રહેલા ઈરાન-અમેરિકા કટોકટી હોય, ભારતીય અર્થવ્યવસ્થાને આ અને આવાં પરિબળોની અસર ચોક્કસ થવાની છે.
 
શરૂઆત કરીએ અર્થવ્યવસ્થાના વિકાસ સંદર્ભે ઉપલબ્ધ નિર્દેશો સાથે.
 
આ વાત કરીએ એટલે પ્રથમ શબ્દ આપણા મગજમાં આવે છે GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરગથ્થુ ઉત્પાદન.
 
આ દિશામાંથી બહુ સારાં એંધાણ વરતાતાં નથી.
 
2018થી જાણે કે દશા બેઠી છે. 2018ના પહેલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર 8 ટકા હતો. બસ ત્યાંથી તેણે પડતું મૂક્યું છે અને સતત ગબડતો રહ્યો છે.
 
2018ના બીજા ત્રિમાસિક ગાળામાં 7.0 ટકા, ત્રીજામાં 6.6 ટકા અને અંતિમ ત્રિમાસિક ગાળામાં 5.8%.
 
2019ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં 4.5% અને ત્રીજા માં 4.5% (અંદાજિત).
 
જીડીપી વૃદ્ધિદર 2018થી ગબડ્યો છે તે હજુ અટકવાનું નામ નથી લેતો.
 
જાપાનની નોમુરા બૅન્કે તો જાન્યુઆરી-માર્ચ 2020ના ગાળા માટે 4.3 ટકાનો અંદાજ મૂક્યો છે.
 
જીડીપી જ્યારે સતત બે ત્રિમાસિક ગાળા માટે ઘટીને આવે ત્યારે તેને રિસેશન અથવા મંદીની પરિસ્થિતિ કહે છે.
 
આ વ્યાખ્યા પ્રમાણે આપણું અર્થતંત્ર આજે મંદીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.
 
'બીમાર અર્થતંત્ર'
 
ભારત સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે હાવર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમૅન્ટ માટે જોશ ફેલમેન સાથે ડિસેમ્બર 2019માં પ્રસિદ્ધ કરેલ સંશોધન પેપર "India's Great Slowdown: What Happened?"નું સીધુંસાદું તારણ એવું કહ્યું છે કે "This is not an ordinary slowdown. It is India's Great Slowdown, where the economy seems headed for the intensive care unit"
 
મતલબ કે ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે સીધી સાદી મંદીની પરિસ્થિતિ નથી પણ દર્દીને ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુમાં દાખલ કરવો પડે એવી ગંભીર બીમારી છે.
 
આમ ભારતીય અર્થવ્યવસ્થા મંદીની ગંભીર બીમારીમાંથી પસાર થઇ રહી છે તે પાયાની વાત આપણે ધ્યાનમાં રાખવી પડશે.
 
ત્યાર પછીની વાત છે છૂટક વ્યાપારમાં મોંઘવારી એટલે કે Retail Inflation.
 
રિટેઇલ ઇન્ફ્લેશનનો દર 5.54 ટકા નવેમ્બર 2019માં નોંધાયો હતો જે છેલ્લાં 40 વરસમાં ઊંચામાં ઊંચો છે.
 
ગઈ સાલ આ જ સમયે નવેમ્બર 2018માં નોંધાયેલ ફુગાવાનો દર 2.3 ટકા હતો.
 
આજે મોંઘવારી બમણા કરતાં વધુ વધી છે.
 
આમાં સૌથી વધુ મોંઘવારી ખાદ્ય પદાર્થોમાં નોંધાઈ છે જેનો દર 10 ટકા છે.
 
ખાદ્ય પદાર્થોની મોંઘવારીમાં શાકભાજી અને દાળના ભાવ સૌથી વધુ વકર્યા છે.
 
ત્રીજો મુદ્દો લઈએ ઔદ્યોગિક વિકાસનો.
 
સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો તેને પગલે પગલે ઑક્ટોબર 2019માં ઘટાડો 3.6 ટકા રહ્યો.
 
દિવાળીના તહેવારોમાં ઘરાકી નીકળશે અને એને કારણે બજારો ઊચકાશે એવી આશા પણ ઠગારી નીવડી.
 
આ વખતે દિવાળી સમયે સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગરો લાખોની સંખ્યામાં શહેર છોડી ગયા એ વાત પરથી આ મંદીની ભયાનકતાનો ખ્યાલ આવશે.
 
જોકે નવેમ્બર મહિનાનો પરચેઝિંગ મૅનૅજર ઇન્ડેક્સ (PMI) 51.2 હતો જે ડિસેમ્બર 2019માં વધીને 52.7 થયો છે જે છેલ્લા દસ મહિનામાં ઊંચામાં ઊંચો આંક છે.
 
ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિ ઘટે એટલે એની સીધી અસર ઊર્જાની માગ પર પડે.
 
કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિ માપવી હોય તો એ દિવસની ઊર્જાની માથાદીઠ ખપત કેટલી છે તેના ઉપર અંદાજ આવી શકે.
 
ઑક્ટોબર 2019માં સમગ્ર દેશની ઊર્જાની માગ આગળના વર્ષના અનુસંધાને 13.2 ટકા ઘટી.
 
કદાચ આનું આંશિક કારણ ચોમાસું લાંબુ ચાલ્યું તે હોઈ શકે પણ ઉત્પાદનમાં થયેલા ઘટાડાને જોઈએ તો આનું મોટું કારણ સીધેસીધું આર્થિક મંદી સાથે જોડી શકાય.
 
ઇન્ડિયા રેટિંગના શ્રેયસ વૈદ્યે તૈયાર કરેલ માહિતી મુજબ આગલા વરસની સરખામણીમાં મહારાષ્ટ્રની ઊર્જાની માગ 22.42 ટકા ઘટી એ સામે ગુજરાતની 18.8 ટકા અને તામિલનાડુની 5 ટકા ઘટી.
 
સરવાળે અગાઉ જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશની ઊર્જા માગમાં 13.2 ટકાનો ઘટાડો થયો.
 
 
કરઆવકમાં ઘટાડો
 
દેશની જીએસટીની આવક ગત બજેટના અંદાજ કરતાં 40 ટકા ઓછી રહેવા પામી છે.
 
ગત બજેટમાં જીએસટીની એપ્રિલથી નવેમ્બરના ગાળાની આવક 5.26 લાખ કરોડ અંદાજવામાં આવી હતી. જે આ સમયગાળા દરમ્યાન 3.28 લાખ કરોડ થવા પામી છે.
 
થોડા વખત પહેલાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બાકીના ચાર મહિનામાં જીએસટીની ઘટને પહોચી વળવા મહિને એક લાખ કરોડ રૂપિયા જેટલું કલેક્શન કરવા આદેશ આપ્યા છે.
 
ડિસેમ્બર 2019માં જીએસટીની આવક 1 લાખ કરોડ કરતાં વધુ થવા પામી હતી.
 
ભારત ચીન પછી સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે. દેશમાં 70 ટકા વસતિ 35 વરસથી નીચેની ઉંમરની છે. 2025માં વસતિની દૃષ્ટિએ ભારત ચીનને પાછળ રાખી દેશે. સાથેસાથે યુવા રોજગારી પણ મુખ્ય મુદ્દો બનશે.
 
હાલમાં નેશનલ સૅમ્પલસરવેના પિરિયોડિક લેબર ફોર્સ સરવે 2017-18 મુજબ દેશની 6.1 વસતિ બેરોજગાર છે જે આંક છેલ્લાં 45 વરસમાં સૌથી વધુ છે.
 
વસતિવધારો અને બેરોજગારીની સાથોસાથ ભારતનું શૈક્ષણિક સ્તર પણ નીચું છે.
 
આજે વિશ્વની 200 ટોચની યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી.
 
અમેરિકા અને જાપાન પછી ચીનમાં સૌથી વધુ યુનિવર્સિટીઓનો આ 200 યુનિવસિટીઓમાં સમાવેશ થાય છે.
 
આજે દરેક ત્રણ ગ્રૅજ્યુએટ કે પોસ્ટ ગ્રૅજ્યુએટ પૈકી એક બેકાર છે. 15 થી 29 વરસની ઉંમરના યુવાનોમાં શહેરોમાં 26 ટકા જ્યારે ગામડાંમાં 36 ટકા બેકારીનો દર છે.
 
એક અંદાજ મુજબ દર વરસે અભ્યાસ પૂરો કરતા દોઢ કરોડ વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે કતારમાં ઊભા રહે છે. જેમાંથી માત્ર 3 ટકા વોકેશનલ ટ્રેનિંગ ધરાવે છે.
 
ઉદ્યોગો પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ એક વધુ મુદ્દો સપાટી પર આવે છે. આ મુદ્દો છે નોકરી કરવા માટેની પાત્રતાની સાથોસાથ ક્ષમતાનો.
 
સ્નાતકની ડિગ્રી લઈને બહાર પડતા યુવાનોમાંથી આઇટી ક્ષેત્રે ગ્રેજ્યુએટ હોય તેમાંના 25 ટકા જ તાત્કાલિક નોકરી કરવાને સક્ષમ હતા.
 
આ ટકાવારી બી.પી.ઓ માટે 20 ટકા, મૅન્યુફૅક્ચરિંગ અને અને હેલ્થકૅર માટે 45 ટકા તેમજ બૅન્કિંગ તેમજ ઇન્સ્યૉરન્સ ક્ષેત્રે 50 ટકા હોવાનું જણાવ્યું છે.
 
આમ સ્નાતક થયા પછી પણ જે-તે ક્ષેત્રમાં સીધેસીધા પહેલા જ દિવસથી કામ કરવાની ક્ષમતા ધરાવતા યુવાનોની ટકાવારી ઘણી ઓછી છે.
 
આપણે ત્યાં શિક્ષણનું સ્તર કેવું છે એનો ખ્યાલ યુનિવર્સિટીઓમાંથી અને ટેકનિકલ સંસ્થાઓમાંથી બહાર પડતી પ્રોડક્ટ એટલે કે સ્નાતકો અને અનુસ્નાતકોમાંથી ફિલ્ડમાં સીધી કામગીરી કરવા માટે અડધા કરતાં ય ઓછા સક્ષમ હોય છે તેના પરથી આવી શકે છે.
 
 
GDPનું બદલાયેલું સ્વરૂપ
 
એક બીજો મુદ્દો પણ ધ્યાન માંગી લે તેવો છે. આપણા જીડીપી એટલે કે ઘરગથ્થુ ઉત્પાદનનું કલેવર પણ બદલાયું છે.
 
ઉપલબ્ધ માહિતી મુજબ 1950- 51માં આપણા કુલ જીડીપીમાં કૃષિનો ફાળો 51.9 ટકા હતો. જ્યારે ઉદ્યોગનો 11.1 ટકા અને સેવા ક્ષેત્રનો હિસ્સો 34.6 ટકા હતો.
 
આ મિક્સ બદલાઈને અનુક્રમે 1960-61માં કૃષિ 47.6 ટકા, ઉદ્યોગો 13.7 ટકા અને સેવા ક્ષેત્ર 36.3 ટકા થયો.
 
આજે આ ટકાવારીમાં મોટું પરિવર્તન આવ્યું છે. કૃષિક્ષેત્રનો જીડીપીમાં ફાળો 15.87 ટકા, ઉદ્યોગ 29.75 ટકા અને સેવા ક્ષેત્ર 54.46 ટકા ધરાવે છે.
 
દેશના કુલ ઘરગથ્થુ ઉત્પાદનના ઘટકોમાં આટલો મોટો ફેરફાર આવ્યો પણ આપણી વિદ્યાસંસ્થાઓ ખાસ કરીને યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવતા વિષયો અને એમના સિલેબસમાં ઝાઝો ફેરફાર આવ્યો નથી.
 
આઝાદી પછીના લગભગ ત્રણેક દાયકાના કાળખંડમાં હયાત અર્થવ્યવસ્થામાં ઝડપથી ફેરફાર તેમજ બૅન્ક, સરકારી કચેરીઓ, ટ્રાન્સપોર્ટ સેવાઓ જેવા ક્ષેત્રમાં ઝડપી વિકાસને કારણે નવી નોકરીઓ માટેની તકો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ બની.
 
હવે બે મોટા ફેરફારો આવ્યા છે. એમાં એક તો જીડીપીના ઘટકોમાં વ્યાપક પરિવર્તનનો.
 
1950-51ના ગાળામાં કૃષિપ્રધાન અર્થવ્યવસ્થા હતી તેને બદલે આજે કૃષિનું સ્થાન ગૌણ બન્યું ને ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર અર્થવ્યવસ્થાના મુખ્ય ઘટકો તરીકે ઉપસી આવ્યા છે.
 
પરિણામે જરૂરી સ્કિલ એટલે કે આવડત અને જાણકારી બાબતે મોટું પરિવર્તન આવ્યું છે.
 
સેવા ક્ષેત્રનું પ્રભુત્વ વધતાં સ્વનિર્ભરતા માટેના ક્ષેત્રે નવી તકો ઊભી થઈ છે એમાં ના નથી પણ આ તકોથી સ્ટ્રકચર્ડ જોબ એટલે કે ક્લાર્ક અથવા એવી કોઈ ચોક્કસ પ્રકારની નોકરીઓ ઊભી નથી થતી પણ મેન્ટેનન્સથી માંડી ફૂડ પ્રોસેસિંગ ઍન્ડ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં નવી તકો માટે અવકાશ ઊભો થાય છે.
 
આમ જે રીતે જીડીપીનું કલેવર બદલાયું છે તે જ રીતે નોકરીઓ માટેનું ટૅલેન્ટ-મિક્સ પણ બદલાયું છે.
 
આ સંદર્ભમાં આજની શિક્ષણ વ્યવસ્થા આમૂલ પરિવર્તન માગી લે છે.
 
 
ખેતી અને ખેડૂતોને લગતી સમસ્યાઓ
 
દેશ સામે પડકારનો એક વધુ મુદ્દો છે ફૂડ સિક્યૉરિટી એટલે કે અન્ન સ્વાવલંબનના ક્ષેત્રે પણ ચિંતાનાં વાદળો ઘેરાવા માંડ્યાં છે.
 
આ ક્ષેત્રની સાથે જ ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને રોજગારીનું ક્ષેત્ર પણ જોડાયેલું છે.
 
આપણે પ્રથમ પંચવર્ષીય યોજના લખી ત્યારે ખાદ્યાન્નની તંગી હેઠળ જીવતા હતા.
 
પાંચ કરોડ મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થતું હતું અને બાકીની ખાધ પીએલ 480 હેઠળ ઘઉંની આયાત કરીને કે ઑસ્ટ્રેલિયન માઈલો જુવાર લાવીને રેશનિંગની દુકાનેથી વિતરણ કરી પેટ ભરતા.
 
કેર નામની સંસ્થા દૂધનો પાવડર ભેટમાં આપતી હતી જે શાળાનાં બાળકોને પોષક આહારની અવેજીમાં અપાતો.
 
આવું લગભગ આઝાદી પછી બે દાયકા ચાલ્યું.
 
એવો પણ સમય આવ્યો કે ચોખાની તંગીને પહોચી વળવા ચોખા અને ચોખાની વાનગીઓ પીરસવા ઉપર પ્રતિબંધ મુકાયો.
 
ડૉ. સ્વામીનાથનનો યુગ શરૂ થયો અને આપણે ધીરે ધીરે અન્ન સ્વાવલંબન અને ઉત્પાદનમાં સ્વાલંબી બનતા ગયા.
 
છેલ્લા ઇકોનોમિક સરવેમાં જણાવ્યા મુજબ 2018-19ના વરસમાં 283 મિલિયન ટન એટલે કે 28.3 કરોડ ટન અનાજનું ઉત્પાદન કર્યું.
 
હવે બે પ્રશ્નો ઊભા થાય છે જેમાં પહેલો છે ખેડૂતને, પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળતા તે અને બીજો છે ખેતીની જમીનના ટુકડા થઈ ગયા છે એટલે કે ખેતરની સરેરાશ સાઇઝ નાની થઈ રહી છે જે 1960માં 2.6 હેક્ટર હતી આજે લગભગ 1.2 હેક્ટર છે અને એક વરતારા મુજબ 2035માં માત્ર ત્રણ હજાર ચોરસમિટર હશે.
 
સમજી શકો છો કે જેમ ખેતરની સાઇઝ નાની થતી જાય તેમ ઉત્પાદનની કિંમત ઊંચી જાય. આજે ભારતના 99 ટકા કરતાં વધુ ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે.
 
ખેતી માટે જરૂરી ખાતર, બિયારણ, વીજળી, દવાઓ, મજૂરી બધાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.
 
આમ ખેતરનો નાનો ટુકડો અને મોંઘા ભાવે ખરીદાતા બિયારણથી માંડીને ખેતી માટેની બધી જ સામગ્રીને લીધે સરવાળે ખેડૂતની ઉત્પાદનકિંમત ખૂબ ઊંચી થઈ જાય છે.
 
મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) આનો ઉકેલ નથી.
 
ખેતીની જમીનોના વધુ ટુકડા થતા અટકાવવા અને આ ટુકડા થવાને કારણે લગભગ 45 ટકા જેટલી જમીન શેઢા, નાળીયાં, ગાડાવાટમાં જાય એટલે આ જમીન બીન ઉપયોગી બને છે.
 
તેને ઉત્પાદનમાં પાછી કેવી રીતે લઈ આવવી તે માટે ખેતી અંગેના જમીનોના કાયદામાં ક્રાંતિકારી પરિવર્તનો લાવવાં પડશે.
 
એમાં કોઈ શંકા નથી. આવો જ બીજો પ્રશ્ન સિંચાઈ અંગેનો છે.
 
ભારતમાં લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગની જમીનમાં ખેડૂતો માત્ર વરસાદ ઉપર આધાર રાખતી આકાશીય ખેતી કરે છે.
 
દેશમાં કુલ પાણી વપરાય છે તેનો 80 ટકા વપરાશ ખેતી કરે છે.
 
હજુ પણ આપણે ત્યાં પાણીનો મહત્તમ ઉપયોગ થાય તેવી માઈક્રો ઇરિગેશન સિસ્ટમની વ્યાપક સ્વીકૃતિ ખેડૂતોમાં નથી.
 
સાથોસાથ ડાંગર અને શેરડી જેવા પાણીની ખૂબ જરૂર પડે તેવા પાક આપણે ત્યાં લેવાય છે.
 
આ બંને મુદ્દે ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ સાથે બેસીને પાણીનો મહત્તમ ઉપયોગ કરી ફાજલ પડતું પાણી વધુ જમીનમાં સિંચાઈ માટે કેમ આપી શકાય તેમ જ પાણીનો વધુ ઉપયોગ કરતા પાકોને ઓછા પાણીએ કઈ રીતે પકવી શકાય તે દિશામાં વિચારવું પડશે.
 
આ ઉપરાંત હાઇડ્રોપોનિક્સ તેમજ ટેકનૉલૉજી આધારિત અન્ય કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરતા પણ શીખવું પડશે.
 
આવું નહીં થાય ત્યાં સુધી આપણે આજે જે 3થી 4 ટકાના કૃષિના વૃદ્ધિદર વચ્ચે ગડથોલાં ખાઈએ છીએ તેમાં બદલાવ નહીં આવે અને ત્યાં સુધી દેશની બે તૃતીયાંસ વસતિ ને અર્થવ્યવસ્થાની ક્રાંતિ સાથે નહીં જોડી શકાય.
 
ભારતની વસતિ 2050ની સાલમાં 1.69 અબજ હશે જે માટે 333 મિલિયન ટન અનાજની જરૂર પડશે.
 
ગ્રામ્ય અર્થવ્યવસ્થાથી માંડીને સ્વાવલંબન અને રોજગારી ત્રણેય મુદ્દે અત્યાર સુધી આ દેશને જેણે તાર્યો છે તે કિસાન અને ખેતી બંને તરફ આપની ગરજે ધ્યાન આપવું પડશે.
 
પાણીની ઘટતી જતી ઉપલબ્ધિનો અછડતો ઉલ્લેખ આ તબક્કે કરી લેવાનું ઉચિત જણાય છે.
 
1951માં ભારત પાસે દર વરસે વ્યક્તિદીઠ 5100 ઘન મીટર પાણી હતું જે આજે ઘટીને 1200 થઈ ગયું છે.
 
આમાં ગંગા, બ્રહ્મપુત્રા, યમુના તેમજ પંજાબની પાંચ મોટી નદીઓ, નર્મદા અને કાવેરી આ બધામાં સમાવેશ થઈ જાય છે એટલે મોટાભાગનાં રાજ્યો પાસે માથાદીઠ પાણીની ઉપલબ્ધિ 1000 ઘન મિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વરસ કરતાં ઓછી છે જેને 'Water Stress' એટલે કે પાણીની તંગીની પરિસ્થિતિ કહેવાય.
 
 
NPAની સમસ્યા
 
નાણાં વ્યવસ્થાપન ક્ષેત્રે પણ બે-ત્રણ મુદ્દા ધ્યાન માંગી લે તેવા છે.
 
પહેલો મુદ્દો છે બેન્કોના નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે NPAનો.
 
આ મોરચે સારા સમાચાર એ છે કે રિઝર્વ બૅન્કના અહેવાલ મુજબ માર્ચ 2018માં એનપીએ 11.1 ટકા હતો તે 2019માં 2 ટકા ઘટીને 9.1 ટકા થયો છે. જોકે, નબળી મેક્રો પરિસ્થિતિને કારણે છેલ્લા નવ મહિનામાં બેન્કો દ્વારા આપવામાં આવેલા ધિરાણનો દર નીચો ગયો છે.
 
રિઝર્વ બૅન્કના ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર બૅન્કો દ્વારા આપતા ધિરાણનો દર સપ્ટેમ્બર 2019 માત્ર 8.7 ટકા રહ્યો છે.
 
ભારતની અર્થવ્યવસ્થા ક્યાંક તો ઝોકું ખાઈ ગઈ છે તેનું આ ઉદાહરણ છે.
 
આ બાબતે રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા મુજબ બેડ ડેબ્ટમાં છેલ્લા નવ મહિનામાં વધારો થયો છે.
 
એ જ રીતે ક્રેડિટ વિકાસમાં ઘટાડો અને ઊંચા સ્લીપેજીઝ અને ક્રેડિટ એજન્સીઓ પાસેથી ઇન્ફ્લેટેડ રેટિંગ્સના કેસો બહાર આવ્યા છે જેને કારણે દેશની મેક્રો સ્થિતિ ચિંતાજનક છે.
 
દેશની આંતરિક સ્થિતિ તેની અર્થવ્યવસ્થા ઉપર અસર કરે તે જ રીતે અત્યારના વૈશ્વિકીકરણના સમયમાં દુનિયાના કોઈ પણ ખૂણે ઘટતી ઘટના કોઈ પણ વિકાસશીલ દેશને એક અથવા બીજી રીતે જરૂરથી અસર કરે છે.
 
ઈરાન અને અમેરિકા વિવાદની અસર
 
ઈરાનના કુર્દ સેનાના જનરલની અમેરિકા દ્વારા હત્યા થતાં વિશ્વની અર્થવ્યવસ્થા ઉપર તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
 
2018-19માં આપણે 207 મિલિયન મેટ્રિક ટન ક્રૂડઑઈલ અંદાજે 111.9 અબજ અમેરિકી ડૉલરમાં ખરીદ્યું હતું.
 
આપણે દેશની કુલ જરૂરિયાતના 80 ટકા ક્રૂડ આયાત કરીએ છીએ.
 
જેમાં ઈરાન પાસેથી કુલ આયાતનું 12 ટકા ક્રૂડઑઈલ 2018-19 આયાત કર્યું હતું.
 
પરંતુ ઈરાને લગાવેલા સેન્કશનને પગલે આપણે 2019-20 અથવા નાણાકીય વરસ 2020 દરમ્યાન માત્ર 1.7 મિલિયન મેટ્રિક ટન ક્રૂડઑઈલ આયાત કર્યું છે.
 
આમ ઈરાનનો હવે આપણા મુખ્ય ક્રૂડ આયાત કરતા દેશોમાં સમાવેશ થતો નથી.
 
3 જાન્યુઆરી 2020ની ઘટના પછી બ્રેન્ટ ઓઇલમાં પ્રતિ બેરલે 3 ડૉલર જેટલો ઉછાળો આવ્યો છે.
 
સુલેમાનીની હત્યા પછી બ્રેન્ટ ક્રૂડમાં 4.9 ટકા એટલે કે બ્રેન્ટ ક્રૂડના બેરલ દીઠ ભાવ 66.25થી વધીને 69.16 થયા.
 
એક ગણતરી અનુસાર જો ક્રૂડ ઓઇલમાં 1 ડોલરનો વધારો થાય તો આપણું આયાત બિલ 10,700 કરોડ જેટલું વધે.
 
જેને પરિણામે ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદનોની કિમતમાં વધારો થતાં મોંઘવારી વધે, ઇમ્પોર્ટ બિલ વધતાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે અને તેની સીધી અસર ફિસ્કલ ડેફિસિટ પર પણ પડે.
 
આમ અત્યારે આપણો ઔદ્યોગિક વિકાસદર જ્યારે 4.5 ટકાની આસપાસ છે તે જોતાં આપણું 5 ટ્રિલિયન ડોલરનું સ્વપ્ન 2024માં પૂરું થવાની શક્યતા વિષે અનેક પ્રશ્નાર્થો છે.
 
જેમાં સુબ્રમનિયમ સ્વામીએ આ અંગે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "Get ready to say good bye to $ 5 trillion if no new economic policy is forthcoming. Neither boldness alone or knowledge alone can save the economy from a crash. It needs both. Today we have neither".
 
એટલે કે, જો નવી આર્થિક નીતિ નહીં ઘડવામાં આવે તો આપણે 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાના સપનાને છોડી દેવો જોઈએ. કારણ કે ના હિંમત ના તો જ્ઞાન એકલું અર્થતંત્રને ખાડે જતા અટકાવી શકે છે. આ હેતું માટે બંનેની એકસાથે જરૂર પડે છે. જોકે, હાલમાં અમારી પાસે આ બંને નથી.
 
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓએ નાણાકીય વરસ 2020 માટે જે અંદાજો મૂક્યા છે તેમાં રિઝર્વ બૅન્કે 5 ટકા, સ્ટાન્ડર્ડ એન્ડ પુવર 5.1 ટકા, મૂડીઝ 4.9 ટકા, ફિંચ 4.6 ટકા, નોમુરા 4.9 ટકા અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે 6.1 ટકા અંદાજ મૂક્યો છે.
 
વૈશ્વિક નાણાકીય કટોકટીને કારણે આપણો વિકાસદર ઘટીને લગભગ સ્થગિત થઈ ગયો છે.
 
જ્યારે ઘરઆંગણે થતાં રોકાણોમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે.
 
ભારતીય અર્થવ્યવસ્થાના બૅલેન્સને અસર કરે તેવાં બે મોજાં આ તોફાનને કારણે ડહોળાયેલા અર્થતંત્રના સમુદ્રમાં પેદા થયાં.
 
આમાંનું પહેલું ભારતની બૅન્કિંગ સૅક્ટર અને આંતરમાળખાકીય કંપનીઓને આભડી ગયું.
 
ઈ.સ. 2000ની સાલમાં જે તેજીનો પવન ફુંકાયો તેનાથી મધ્ય આકાશે રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૅક્ટરના પતંગો મંદીને કારણે હવા પડી જતા ધીરે ધીરે છબવા માંડ્યા.
 
ભારતીય અર્થવ્યવસ્થા નોટબંધી અને જીએસટીને કારણે ઉદભવેલ પરિસ્થિતિને પચાવીને પણ આગળ વધતી રહી તેનું એક કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં દબાયેલા ક્રૂડઑઇલના ભાવ હતા.
 
આની સાથે સરકાર દ્વારા કરવામાં આવતો ખરચ તેમજ નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા નાણાંનો ડોઝ સંજીવનીનું કામ કરી ગયો.
 
આને કારણે કાંઈક અંશે ટકાવી ન રાખી શકાય અને ભારે પડી જાય તેવી રિયલ એસ્ટેટની ઇન્વેન્ટરીનો ભરાવો થતો રહ્યો.
 
તેજીનો આ ફુગ્ગો 2019ની સાલમાં ફટાક દઈને ફૂટી ગયો.
 
આને પગલે માંગ અને ખપત પણ ઘટ્યાં.
 
જેને કારણે 2018ના પહેલા ત્રિમાસિક ગાળા પછી ચાલુ થયેલ મંદીનો દોર એકધારો આગળ વધતો રહ્યો.
 
આજે ભારત ચારે તરફથી ભીંસ અનુભવી રહ્યું છે.
 
એની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા અને આગળ વધારતાં બેન્કિંગ, રિયલ એસ્ટેટ, નિકાસ, ઘરઆંગણાની માંગ અને ખપત જેવાં બધાં સૅક્ટરો માંદગીને બિછાને પડ્યાં છે.
 
 
તો વધી શકે છે ગરીબીનું પ્રમાણ
 
બૅન્ક દ્વારા વારંવાર ઘટાડવામાં આવતા વ્યાજદર અથવા ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ કૉર્પોરેટ ટેકસ રેટમાં 10 ટકા જેટલો ઘટાડો પણ ભારતીય અર્થવ્યવસ્થાને બુસ્ટરડોઝ પૂરો પાડી શક્યો નથી.
 
ચીલાચાલુ ઉપાયોથી ભારતીય અર્થતંત્ર માંદગીના બિછાનેથી બેઠું થઈને ફરી પાછી દોડવા માંડે એવી અપેક્ષા રાખવી એ મૂર્ખતાની નિશાની છે.
 
જમીનના કાયદા તેમજ લેબર માર્કેટ જેવા રિફોર્મને કારણે કદાચ મધ્યમ ગાળે ફાયદો થાય પણ લાંબા ગાળે અત્યારની પરિસ્થિતિ બદલાય તેવો આશાવાદ ઉભો થતો નથી.
 
ટકાઉ વિકાસને વેગ આપવાનો તેમજ કૃષિ ઉત્પાદન વધે અને ખેડૂત પાછો કૃષિ તરફ વળે તે પ્રકારની અસરકારક નીતિઓ સામે મોટો પડકાર ઉભો કરે છે.
 
2019ના અંતમાં જીડીપીનો વિકાસદર 4.5 થી 5 ટકા વચ્ચે ઝોલા ખાય છે.
 
2019 માટેનું જીડીપી વૃદ્ધિદર પાંચ ટકા રહેશે તેવું રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તેમજ હવે તો ભારતનું નાણા મંત્રાલય પણ કહે છે.
 
આ સ્થિતિમાંથી આગળ વધીને બે આંકડાનો સાતત્યપૂર્ણ વૃદ્ધિદર હાંસલ કરવો એ અશક્ય નહીં તો મુશ્કેલ જરૂર છે.
 
આજની પરિસ્થિતિ લાંબી ચાલી તો અત્યારે દેશની અંદાજે ચોથા ભાગની પ્રજા ગરીબીની રેખાથી નીચે જીવે છે તેને બદલે લગભગ ત્રીજા ભાગની વસતિ ગરીબીની રેખા નીચે જીવતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થશે. આવું ન થવા દેવું હોય તો માંગ ફરીથી તેજીની રાહ પકડે તે જોવું પડે.
 
આ તો જ શક્ય બને જો દેશના મધ્યમ વર્ગ જેને 'બોટમ ઓફ ધ પિરામિડ' કહે છે તે ગરીબ વર્ગ માટે એટલી આવક રળવાની સ્થિતિ ઉત્પન્ન થાય જેને કારણે એના હાથમાં રહેલી બચત ખરીદી સ્વરૂપે બજારમાં વહેતી થાય.
 
મધ્યમ વર્ગ, નીચલો મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગની પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે મૂળભૂત જરૂરિયાતો પૂરી કર્યા બાદ હાથમાં બાકી રહેતાં નાણાંની રકમમાં સારો એવો વધારો થાય તો દુનિયાની સૌથી વિશાળ મુક્ત બજાર એવા ભારતના આંતરિક બજારોમાં માંગ આળસ મરડીને બેઠી થાય.
 
આજે જ્યારે સામાન્ય માણસની ખરીદશક્તિ છેક તળીયે પહોંચી છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય અને મંદી દૂર થાય તેવી શક્યતાઓ દૂરદૂર સુધી દેખાતી નથી.
 
ભારતીય અર્થવ્યવસ્થા એવી સ્થિતિએ પહોંચી છે કે જ્યારે 7, 8 કે 10 ટકાનો વિકાસ દર એને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા પૂરતો નથી.
 
We need Explosion of Growth. આપણી અર્થવ્યવસ્થા એકદમ ધમાકેદાર વિકાસ દર મેળવે તો જ આપણે વિશ્વ સમુદાયમાં ભારતીય અર્થવ્યવસ્થાને બીજા કે ત્રીજા નંબરના મોભાદાર સ્થાને જોવા માગીએ છીએ તે સ્વપ્ન પૂરું થાય.
 
આજે આ પરિસ્થિતિએ પહોંચવું અને મોંઘવારી તેમજ બેરોજગારીને હઠાવી ફરી પાછી અર્થવ્યવસ્થાને ધબકતી કરવી એ એક પડકાર ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.
 
 
બદલાયેલી શાસન-વ્યવસ્થા
 
આટલું જ પૂરતું ન હોય તેમ સરકારની શાસનપદ્ધતિમાં પણ ધરખમ ફેરફારો આવ્યા છે.
 
નીચેથી ઉપર જવાબદારીઓ વહેંચાયેલી હોય તેનો તેને બદલે અત્યારે આપણે Top Heavy એટલે કે સૌથી ઉપરના સ્તરે જ બધા નિર્ણયો લેવાતા હોય તેવી શાસન-વ્યવસ્થા જોઈએ છીએ.
 
સરકારી શાસનના ભાગરૂપે દોઢ દાયકો અને ત્યાર બાદ છેલ્લા ત્રણ દાયકાથી જાહેરજીવનના વ્યક્તિ તરીકે વિવિધ સરકારો અને તેમની શાસન પદ્ધતિઓ વિશે અનુભવ કરવાનો તેમજ એક વિદ્યાર્થી તરીકે એનો અભ્યાસ કરવાનો મારો સાડા ચાર દાયકાનો અનુભવ આવડા મોટા દેશ માટે આ પ્રકારની Top Heavy એટલે કે કેન્દ્રિત શાસન વ્યવસ્થા પહેલીવાર જોઈ રહ્યો છું.
 
ભારતના વડા પ્રધાન એક મેઘાવી અને અત્યંત કાબેલ તેમજ શક્તિશાળી નેતા છે તે બાબતમાં કોઈ જ શંકા વગર આ દેશ માટેની શાસન વ્યવસ્થાનું મોડલ જે છેલ્લાં કેટલાંક વરસોથી અમલમાં આવ્યું છે તે બાબતમાં હજુ આસ્થા બેસે તેવું કશું કળાતું નથી.
 
જેમ આટલું પૂરતું ન હોય તેમ આજે સુપ્રીમ કોર્ટ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇલેક્શન કમિશન, સેબી, બૅન્કિંગ સેક્ટર જેવી આ દેશની ગૌરવરૂપ પ્રશાસનિક તેમજ વૈધાનિક વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક તો ચર્ચાનો વિષય બનવા માંડી છે.
 
આ બધું ભેગું કરીએ તો ભવિષ્ય આડેથી ધુમ્મસ હઠે તેવી ઘડી નજીકમાં આવે તેમ દેખાતું નથી.
 
ભારતીય અર્થવ્યવસ્થા સામે આજે નીચેના મુખ્ય પડકારો છે.
 
ઘટતો જતો જીડીપી વૃદ્ધિદર
વિસ્ફોટક વસતિ વધારો જેને કારણે દેશના સંસાધનો અને તકો ખુબ મોટી સંખ્યામાં વહેંચાય છે.
સરકારી વ્યવસ્થાઓ અને બૅન્કિંગ સેક્ટરની ઘટી રહેલી વિશ્વસનીયતા
રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સતત તણાવની પરિસ્થિતિ અને લગભગ વિસ્ફોટક સ્થિતિએ જઈ રહેલા કેન્દ્ર-રાજ્ય સંબંધો.
પાણી તેમજ અન્ય સાધનોની વહેચણી માટે રાજ્યો-રાજ્યો વચ્ચે હુંસાતુસી અને વિગ્રહ. રાજ્યો-રાજ્યો વચ્ચે વધતું જતું વૈમનસ્ય જેનું એક ઉદાહરણ અત્યાર સુધી સર્વ સંમતિથી નિર્ણય લેતી જીએસટી કાઉન્સિલમાં છેલ્લે છેલ્લે મતદાન કરાયું તે છે.
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ, એને કારણે માત્ર ભારતીય અર્થવ્યવસ્થા પર જ નહીં પણ એ વિસ્તારમાં રહેલા લગભગ 80 લાખ ભારતીય નાગરિકોની સલામતીની ચિંતા કરવાનો સરકારને માથે વધારાનો બોજો.
કૃષિ અર્થતંત્રમાં બીજુ ગ્રીન રિવોલ્યુશન થાય અને ફરી પાછો ધમધમાટ તેજીનો યુગ શરૂ થાય તેવી સ્થિતિના અભાવમાં તેમજ ખેતીની જમીનના ટુકડા થવાને કારણે કે ખેતરની સરેરાશ સાઇઝ ખૂબ નાની બનતી જાય છે, જેને કારણે ખેતી બિનપોષણક્ષમ બની રહી હોવાથી ખેડૂત ખેતીથી દૂર જઈ રહ્યો છે.
છેલ્લાં 45 વરસ ઊંચામાં ઊંચી ટકાવારીએ પહોચેલો બેરોજગારીનો દર અને રોજગારીની નવી શક્યતાઓ ઊભી કરવા માટે સરકાર સામે મોટો પડકાર.
શિક્ષણનું કથળતું જતું સ્તર, શિક્ષિત બેરોજગારો અને વિદ્યાર્થી આંદોલનનું સમરાંગણ બનેલી કેટલીક યુનિવર્સિટીઓ.
પ્રદૂષણ અને પર્યાવરણને હાની થાય તે બાબતે વકરતી જતી સમસ્યા. પાણી જેવા અગત્યના સંસાધનોની ઝડપથી ઘટતી જતી માથાદીઠ ઉપલબ્ધિ.
જીએસટી તેમજ અન્ય કરવેરાની અંદાજ કરતાં નીચી વસૂલી.
મોંઘવારી ખાસ કરીને ખાધા-ખોરાકીની ચીજવસ્તુઓની વધતી જતી મોંઘવારી અને તેને કારણે મધ્યમ તેમજ નબળા વર્ગો તેમજ ગૃહિણીઓના બજેટ પર બહુ મોટી અસર.
આ માત્ર કેટલીક સમસ્યાઓ છે પણ મુખ્ય સમસ્યા તો અર્થતંત્રને ધબકતું કરવાની છે અને માગને પુનર્જીવિત કરવાની છે.
 
નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020 નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરશે ત્યારે તેમની પાસે દેશની અર્થવ્યવસ્થાને પુન: ધબકતી કરવા માટેની કઈ સંજીવની છે તેની આખો દેશ કાગડોળે રાહ જોઇ રહ્યો છે.
 
વિવિધ મોરચે ઝઝૂમી રહેલી સરકાર માટે અર્થવ્યવસ્થાને બેઠી કરવાનો આ પડકાર ખૂબ મોટો છે. આપણે સૌ અપેક્ષા રાખીએ કે પાટા ઉપરથી ઉતરી ગયેલી વિકાસની ગાડી પાછી પાટે ચડે અને સૌ સારાં વાનાં થાય.