મેં જેવા આ સમાચાર સાંભળ્યા કે મારે બે વખત ટૉઇલેટ જવું પડ્યું - આ પ્રતિસાદ હતો કાશ્મીરના ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ નેતાનો. તેઓ કલમ 370 પર ભારત સરકારના નિર્ણયની થોડી વાર પહેલાં બહુ ચિંતિત હતા.
બીબીસીને તેમણે કહ્યું, "હું આઘાતમાં છું. બધા કાશ્મીરી આઘાતમાં છે કે તેઓ સમજી નથી શકતા કે આ શું થઈ ગયું. એવું લાગે છે જાણે થોડીવારમાં જ્વાળામુખી ફાટશે."
સંસદમાં ગૃહમંત્રી અમિત શાહની કલમ 370 અંગેની જાહેરાત પહેલાંથી જ કાશ્મીરમાં ઘણા પ્રકારની અટકળો લગાવવાનું શરૂ થઈ ચૂક્યું હતું.
જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનારી કલમ 370ને નિષ્પ્રભાવી કરવાનો નિર્ણય લેવાશે એ વાતની કોઈને અપેક્ષા નહોતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હિંસાની કેટલીક નાની ઘટનાઓને બાદ કરતાં બધે શાંતિ છે.
બંધારણના નિષ્ણાત ઝફર શાહે બીબીસીને કહ્યું કે ભારત સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે.
તેમણે કહ્યું, "મારા મતે આ નિર્ણય ભારતીય બંધારણની વિરુદ્ધ છે. 35-એનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે."
ઝફર શાહના મતે આ નિર્ણય ચોંકાવનારો છે પણ કાશ્મીરની આવનારી પેઢીઓ તે ભૂલશે નહીં. પોલીસ અધિકારી એવું પણ સ્વીકારે છે કે લોકોનો ગુસ્સો હિંસાત્મક રૂપ ધારણ કરી શકે છે.