ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલી પૂર્વે યોજાયેલી એનડીએની વિજયસંકલ્પ રહેલીમાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના ભાષણ દરમિયાન 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા, જેનો ઠાકરેએ મંચ ઉપરથી જવાબ આપ્યો હતો.
આમાં ભાગ લેવા શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ, ઉપરાંત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને રાજનાથસિંહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પહોંચ્યા.
ભાજપના અધ્યક્ષ અમિત શાહ શનિવારે ગાંધીનગરની બેઠક ઉપરથી ઉમેદવારી કરશે.
રોડ-શૉ બાદ ગાંધીનગર જઈને શાહ ઉમેદવારી પત્રક દાખલ કરશે.
ગુજરાતમાં ચોથી એપ્રિલ સુધી ઉમેદવારી કરી શકાશે અને તા. 23મી એપ્રિલે મતદાન થશે.
સભાના અપડેટ્સ
બાદલે કહ્યું, "અમિત શાહ ઇન્સાન ઇન્સ્ટિટ્યૂટશન છે. તેમનું જીવન અમારા માટે લાઇટહાઉસ છે. ભારતના સૌથી મોટા કૅમ્પેનર તથા ઇલેકશન આયોજક અમિત શાહ છે. શાહ-મોદી અને ભાજપ પ્રત્યે વ્યક્તિગત રીતે મારી શ્રદ્ધા છે. મોદી ફરી એક વખત જંગી બહુમત સાથે દેશના વડા પ્રધાન બને અને અમિત શાહને સરકારમાં સ્થાન મળે."
ભાજપના પૂર્વ અધ્યક્ષ ગડકરીએ કહ્યું હતું કે શાહના નેતૃત્વમાં ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.
ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "પાર્ટીએ આગ્રહ કર્યો એટલે અમિત શાહ ચૂંટણી લડવા તૈયાર થયા છે. તેઓ લીડ માટેના અત્યારસુધીના તમામ રૅકૉર્ડ્સ તોડશે અને તમામ 26 બેઠકો ઉપર ફરી એક વખત ભાજપનો વિજય થશે."
રૂપાણીએ કહ્યું કે 'શાહ રૅકૉર્ડ લીડ સાથે જીતશે અને ગુજરાતમાં તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થશે અને ગુજરાતની બેઠકોની ચિંતા ગુજરાતની જનતા કરશે.'
અમિત શાહના કાર્યક્રમો માટે ગાંધીનગર ઉપરાંત અમદાવાદ-ઇસ્ટ, અમદાવાદ-વેસ્ટ, વડોદરા અને આજુબાજુની બેઠકોના કાર્યકરોને 'ઍક્ટિવેટ' કરવામાં આવ્યા છે.
અમિત શાહનો ચાર કિલોમીટરનો રોડ-શૉ અમદાવાદના નારણપુરામાં સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ થશે અને ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક ખાતે સમાપ્ત થશે. રોડ-શૉ દરમિયાન પલ્લવ ચાર રસ્તા, શાસ્ત્રીનગર અને પ્રભાત ચોકને આવરી લેવાશે.
પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન તથા એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ના પ્રકાશસિંઘ બાદલ શુક્રવારે ગુજરાત પહોંચ્યા હતા.
બીબીસી હિંદીના ડિજિટલ ઍડિટર રાજેશ પ્રિયદર્શીના જણાવ્યા પ્રમાણે, "મોદી અને શાહની જોડી કોઈપણ ઘટનાને ઇવેન્ટ બનાવી તેને ભવ્યાતિભવ્ય બનાવી દે છે, આ તેમની ખાસિયત છે. ઉમેદવારીની બાબતમાં પણ એવું જ થઈ રહ્યું છે. સાથે જ સંદેશ આપવા માગે છે કે મહાગઠબંધનની એકતાનો અભાવ છે, જ્યારે એનડીએ સંગઠિત છે."
શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા ત્યારે અમિત શાહે મંચ ઉપરથી આગળ આવીને તેમને ઉષ્માભેર મળ્યા હતા અને ઉત્સાહભેર ગળે મળ્યા હતા.
પોતાના સંબોધનમાં કહ્યું, "હું અહીં આવ્યો એટલે કેટલાયને પેટમાં ચૂક ઉપડી છે. શાહ મારા ઘરે આવ્યા, ત્યારે અમારી વચ્ચે ખુલ્લામને વાતચીત થઈ."
"હવે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી રહ્યા અને તમામ વિવાદ સમાપ્ત કરી દીધા છે."
"હિંદુત્વ અને રાષ્ટ્રીયતા મુદ્દે બંને પક્ષ એક છીએ. અમારા દિલ મળ્યા છે, જ્યારે વિપક્ષના માત્ર હાથ મળ્યા છે."
"ગાંધીનગર અને ગુજરાતની જનતાને અપીલ કરીશ કે રૅકૉર્ડ લીડ સાથે શાહને વિજયી બનાવો."
"25 વર્ષ પહેલાં ભાજપ અને શિવસેના રાજકીય રીતે અછૂત હતા, પરંતુ હવે દિલ્હીમાં ભગવો લહેરાયો છે. દિલથી આવ્યો છું."
"ઠાકરેના ભાષણ વખતે 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા. ત્યારે ઠાકરેએ કહ્યું કે વિપક્ષને કહો કે અમારી જેમ એક મંચ ઉપર આવી દેખાડે."
"અહીં એક નામના નારા લાગી રહ્યા છે, પણ તેમની રેલીમાં કોના નારા લાગશે? અમિત શાહ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ."
અડવાણીનો વારસો સંભાળીશ
પોતાના ભાષણમાં શાહે કહ્યું હતું, "1982માં નારણપુરાની સંઘવી હાઈસ્કૂલમાં ભાજપના બૂથ કાર્યકર તરીકે કામ શરૂ કર્યું હતું અને આજે પાર્ટીએ ગાંધીનગર બેઠક માટે ઉમેદવાર બનાવ્યો છે, જે મારા માટે ગર્વની વાત છે."
"આજે ગાંધીનગર એક સુંદર અને પ્રગતિશીલ મતવિસ્તાર છે, તે અડવાણીજીને આભારી છે. હું અડવાણીના વારસાને આગળ ધપાવવાનો પ્રયાસ કરીશ."
શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એક વખત ભાજપ સરકાર બનશે.
શાહના ભાષણ બાદ ભાજપની વિજયસંકલ્પ સભા રોડ-શૉમાં ફેરવાઈ ગઈ હતી અને રથસ્વરૂપના વાહનમાં રૂપાણી, વાઘાણી, પાસવાન રાજનાથસિંહ સહિતના નેતાઓ સવાર થયા હતા.