રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By મહેઝબીન સૈયદ|
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2019 (17:15 IST)

શું અમિત શાહને ગાંધીનગર બેઠક જીતવા માટે નરેન્દ્ર મોદીની જરૂર નથી?

મહેઝબીન સૈયદ
ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ અને વીઆઈપી બેઠકોમાંથી એક છે. એ ન માત્ર રાજ્યની રાજધાની પણ ભારતીય જનતા પક્ષનો ગઢ પણ છે, જેના પર છેલ્લાં 30 વર્ષોથી ભાજપનો કબજો છે.
અહીંથી છ વખત ચૂંટણી જીતનારા અને પાર્ટીના સંસ્થાપક સભ્ય રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીને બદલે ભાજપે આ વખતે પોતાના અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે.
17મી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપ દ્વારા કરાઈ રહેલા પ્રચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી બે વખત ગુજરાત આવી ચૂક્યા છે. જોકે, આ બેમાંથી એક પણ વખત તેમણે ગાંધીનગરની મુલાકાત લીધી નથી.
અમિત શાહે જ્યારે ગાંધીનગરથી પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે પણ તેમની સાથે રાજનાથ સિંહ, અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓ હાજર રહ્યા હતા. પણ નરેન્દ્ર મોદીની ગેરહાજરી વર્તાઈ હતી.
અમિત શાહના રોડ શોમાં પણ નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા જોવા ન મળી. તેવામાં સવાલ થાય છે કે જ્યારે સમગ્ર દેશમાં ભાજપ નરેન્દ્ર મોદીને ચહેરો બનાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે, ત્યારે ગુજરાતની રાજધાનીમાં તેમની ગેરહાજરી કેમ વર્તાઈ રહી છે?
 
અમિત શાહને નરેન્દ્ર મોદીના પ્રચારની જરુર નથી?
આ મામલે જ્યારે બીબીસી ગુજરાતીએ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે "ગાંધીનગરની બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠક છે કે જ્યાં કોઈ પ્રચાર ન કરે તો પણ તેમને જીત મળી શકે છે."
"આ સિવાય અમિત શાહ પોતે એટલા કદાવર નેતા છે કે તેમણે કોઈ પાસે પ્રચાર કરાવવાની જરૂર જ નથી."
આ જ વાત સાથે રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ સહમતી ધરાવે છે. તેમનું પણ માનવું છે કે ગાંધીનગર બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠક છે.
 
તેઓ કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી તે જ બેઠકો પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જે ભાજપ માટે પડકાર સમાન છે. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરત, નવસારી, વડોદરા જેવી બેઠકો ભાજપના ગઢ સમાન છે જ્યાં વડા પ્રધાને પ્રચાર કરવાની જરુર નથી."
"અહીં 5 લાખથી વધારે લીડ કેવી રીતે મેળવી શકાય એના પર અમિત શાહ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે."
તેઓ ઉમેરે છે, "1990 બાદથી સરખેજ વિધાનસભા હોય કે નારણપુરા વિધાનસભા, ગાંધીનગરથી લાલકૃષ્ણ આડવાણી હોય કે અટલ બિહારી વાજપેયી, દરેક પરિસ્થિતિમાં ચૂંટણીપ્રભારી અમિત શાહ જ રહ્યા છે. એટલે આ તેમને જાણીતો મતવિસ્તાર છે અને તેમને ચિંતા કરવાની જરૂર નથી."
આ મુદ્દે જ વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, "જે બેઠક ભાજપ માટે સુરક્ષિત હોય ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ચૂંટણી પ્રચાર ન કરાવાય અને જ્યાં કૉંગ્રેસ તરફથી સીધો પડકાર મળી રહ્યો હોય ત્યાં ચૂંટણીપ્રચાર કરાવાય તો એનો ફાયદો થાય એ સીધું ગણિત છે."
"તેનાથી જે બેઠકો અસુરક્ષિત છે તેને તો ફાયદો થશે જ, પણ સાથે સાથે આજુબાજુની બેઠકો પર પણ સારી એવી અસર થશે."