રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 19 ડિસેમ્બર 2022 (12:13 IST)

હિમાચલ પ્રદેશમાં અદાણીના બે સિમેન્ટ પ્લાન્ટ બંધ, શું છે કારણ

હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ પાર્ટીની સરકાર બન્યા બાદ અદાણી સમૂહના બે સિમેન્ટ પ્લન્ટ બંધ થઈ ગયા છે. આની સાથે જ હિમાચલ પ્રદેશમાં સિમેન્ટના ભાવ વધી ગયા છે.
 
હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ  આનું કારણ જણાવ્યું.
 
તેમણે કહ્યું કે, "આ મામલો કાયદાવ્યવસ્થા સાથે જોડાયેલો છે. ફૅકટરી યુનિયન અને અદાણી સમૂહ વચ્ચે વિવાદ છે. સરકાર ઇચ્છે છે કે સમજૂતી થઈ જાય પરંતુ ન યુનિયનનું નુકસાન થાય અને ન ફેકટરીનું. પરંતુ એક વાત સ્પષ્ટ કરી દઉં કે હિમાચલ પ્રદેશમાં સિમેન્ટનો ભાવ ઘટાડવા જ પડશે. એવું ન બનવું જોઈએ કે પંજાબમાં સિમેન્ટ સસ્તો હોય અને હિમાચલ પ્રદેશમાં મોંઘો મળે.'
 
આ ઇન્ટરવ્યૂમાં સુક્ખૂએ કહ્યું કે તેમની સરકાર જૂની પેન્શન સ્કીમ પરત લાવવા માટે કેવા પ્રયત્નો કરી રહી છે.
 
તેમણે કહ્યું કે, " ગત ભાજપ સરકાર રાજ્ય પર 70 હજાર કરોડનું દેવું છોડીને ગઈ છે. મોટો પડકાર છે પરંતુ સમાધાન પણ છે. અમે પહેલા દિવસે કહ્યું હતું કે અને ફરીથી કહું છું કે કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમ પર નિર્ણય પ્રથમ કેબિનેટ બેઠકમાં લેશું. અન્ય યોજનાઓ પૂરી કરવાી પણ અમારી જવાબદારી છે."
 
આની સાથે જ વીરભદ્રસિંહ પરિવાર સાથે કથિત તણાવના મુદ્દા પર હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રીએ કહ્યું કે, " કૉંગ્રેસ એક પરિવાર છે. રાજ્યમાં હવે કોઈ જૂથબંધી નથી. વીરભદ્રસિંહ પરિવારની કેટલીક ઇચ્છાઓ છે. અમે તે અનુસાર કામ કરીશું. તેમના પુત્ર ધારાસભ્ય છે, બધા ધારાસભ્યોને સાથે લઈને ચાલીશું."
 
હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીની જીત પછી કૉંગ્રેસ નેતા રહેલા વીરભદ્રસિંહનાં પત્ની પ્રતિભાસિંહ અથવા તેમના પુત્ર વિક્રમાદિત્યસિંહના મુખ્ય મંત્રી બનવાની ચર્ચા હતી.
 
પ્રતિભાસિંહ તરફથી નિવેદન પણ આવ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી વીરભદ્રસિંહ અને તેમના પરિવારના યોગદાનને નકારી ન શકે.
 
પરંતુ આખરે કૉંગ્રેસ પાર્ટીએ સુખવિંદરસિંહ સુક્ખૂને મુખ્ય મંત્રી અને મુકેશ અગ્નિહોત્રીને નાયબ મુખ્ય મંત્રીનું પદ આપ્યું હતું.