રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. આજ-કાલ
  3. ગુજરાત દિન
Written By
Last Updated : મંગળવાર, 30 એપ્રિલ 2024 (17:07 IST)

ગુજરાતના સ્થાપના દિવસનો ઈતિહાસ : મુંબઈમાંથી કઈ રીતે અલગ થયું ગુજરાત અને મહારાષ્ટ્ર ?

: Formation of Maharashtra & Gujarat States
: Formation of Maharashtra & Gujarat States
સામાન્ય રીતે 1લી મેના રોજ મજૂર દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઉપરાંત  આજે મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ પણ ઉજવવામાં આવે છે. આ બે રાજ્યોની સ્થાપના 1  મે ના દિવસે થઈ હતી. ભારતની આઝાદી સમયે, આ બંને રાજ્યો બોમ્બેનો ભાગ હતા. ઉલ્લેખનીય છે કે મરાઠી અને ગુજરાતી ભાષી લોકો પોતાના માટે અલગ રાજ્યની માંગ કરી રહ્યા હતા. જેના કારણે રાજ્યભરમાં હલચલ થઈ રહી હતી.
 
એ સમયે સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ 1956 હેઠળ ઘણા રાજ્યોની રચના કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ, કર્ણાટક રાજ્ય કન્નડ ભાષી લોકો માટે બનાવવામાં આવ્યું હતું, જ્યારે આંધ્ર પ્રદેશ તેલુગુ ભાષી લોકો માટે બનાવવામાં આવ્યું હતું. કેરળ અને તમિલનાડુની રચના મલયાલમ અને તમિલ ભાષી રાજ્યો માટે કરવામાં આવી હતી. જોકે મરાઠી અને ગુજરાતીઓ માટે અલગ રાજ્ય આપવામાં આવ્યું ન હતું. આ અંગે અનેક આંદોલનો થયા.
વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે, જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. 'મહાગુજરાત આંદોલન' એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું.
 
હડતાળો, વિદ્યાર્થીદેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અરાજકતાનો અંત ત્યારે આવ્યો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ. 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતાં ગુજરાતી લોકોને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનશે. રાજ્ય પુનર્રચના પંચે 1955માં ભારત સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો.
 
6 ઑગસ્ટ, 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ હતી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો. આથી 7 ઑગસ્ટ, 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કૉંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા. મળવા ગયેલા વિદ્યાર્થીઓને ઠાકોરભાઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં હડતાળનું એલાન આપ્યું. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત'નો નારો બુલંદ બન્યો. 
 
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે કૉંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં પાંચ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં. આ ઘટનાએ ગુજરાતમાં અરાજકતા ફેલાવી દીધી.  અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં દેખાવો અને તોફાનો થયાં
 
મહાગુજરાત આંદોલનની ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા. 
 
9 સપ્ટેમ્બર, 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભા મળી અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયા. ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા કાર્યકરોમાં નવી ચેતના જાગી. 2 ઑક્ટોબર, 1956નો દિવસ મહાગુજરાત આંદોલનના જુસ્સાના પ્રતીક સમાન હતો. પંડિત જવાહરલાલ નહેરુની સમાંતર ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં અમદાવાદની લૉ કૉલેજમાં પણ સભા યોજાઈ. ઇન્દુલાલની સભામાં અંદાજે 3 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નહેરુની સભામાં પાંખી હાજરી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકની સક્રિય ભૂમિકાએ આંદોલનને નવી દિશા આપી ને ઇન્દુલાલ યાજ્ઞિક 'ઇન્દુચાચા' તરીકે ઓખળાયા.
 
આંદોલન દરમિયાન 1957માં ચૂંટણી આવી ને મહાગુજરાત જનતા પરિષદે પણ ઝંપલાવ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો લોકસભામાં ચૂંટાયાં. સમગ્ર ગુજરાતમાં ગામેગામ, નગરોમાં આંદોલન વેગવંતુ બનતું રહ્યું. 6 ડિસેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ હાઇકમાન્ડની સમિતિ મળી. બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ.
 
આખરે મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર અને ડાંગ સાથેનું ગુજરાત અલગ પડ્યાં. મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યનું ઉદઘાટન થયું. પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અને મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો. આંદોલનકારીઓ અને ગુજરાત માટે પહેલી મે, 1960ના દિવસે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો.