બોલો ફ્રૂટ્સ કરતાં શાકભાજી મોંઘું થયું, ભીંડા, ચોળી, ડુંગળી 80થી 160 રૂપિયે એક કિલો
ગુજરાત અને મુંબઇમાં ભારે વરસાદને કારણે અમદાવાદના શાકભાજી માર્કેટ પર અસર પડી છે. મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી અમદાવાદ આવી નથી. તેની સ્થાનિક માર્કેટ પર અસર પડતા શાકભાજીના ભાવ ફ્રૂટ કરતા વધી ગયા છે. હાલ લીલા શાકભાજી રૂ. 100થી 160 પ્રતિકિલો થઇ ગયા છે. જ્યારે મોસંબી, દાડમ, ચીકુ, પપૈયું જેવા ફ્રૂટની કિંમત પ્રતિકિલો રૂ. 60ની અંદર છે. ગુજરાતમાં ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે. પરંતુ ભારે વરસાદના કારણે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સિંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. લીલા શાકભાજીના ભાવ આસમાને સામાન્ય રીતે 30-40 રૂપિયે મળતા શાકભાજી અત્યારે 100થી 160 રૂપિયા સુધી થઇ ગયા છે. શાકભાજીના વધેલા ભાવ કરતા પ્રતિકિલો રૂ. 50થી 80 ફ્રૂટ સસ્તા મળી રહ્યાં છે. હાલ છૂટક બજારમાં ચોળી, ગવાર, ટીંડોળા, ફલાવર સહિતના લીલા શાકભાજી પ્રતિકિલો રૂ. 160ના ભાવે વેચાણ થઇ રહ્યાં છે. જ્યારે મૌસબી, પપૈયા, કેળા, તરબુચ, ચીકુ, બબુપોંચા, દાડમ, નાસપતિ સહિતના ફ્રૂટ હાલ પ્રતિકિલો રૂ.30થી 60ના ભાવે વેચાઇ રહ્યાં છે. વધારામાં જથ્થાબંધ ભાવ અને છૂટક ભાવ વચ્ચે ઘણું અંતર છે. છૂટક વેપારીઓ વધુ નફો ચઢાવતા હોવાથી શાક ઔર મોંઘું થયું છે.