ગોપાલ ઈટાલિયાના વીડિયો અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, AAPમાં આ બેલ મુજે માર એવી પરિસ્થિતિ
સુરતમાં વધતી વસ્તી અને માગને લઈ વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સીટી લાઈટ કેનાલ રોડ ખાતે વેસુ પોલીસ મથકનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરમિયાન હર્ષ સંઘવી દ્વારા અનેક મુદ્દા ઉપર મહત્વના નિવેદનો આપવામાં આવ્યા હતા. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો મંદિરોમાં અને કથાઓમાં ન જવા માટેનો લોકોને અપીલ કરતો વીડિયો વાઇરલ થયો છે. તેની સામે હર્ષ સંઘવીએ નામ લીધા વિના પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેમની પોતાની પાર્ટીમાં જ આ બેલ મુજે માર જેવો ઘાટ સર્જાયો છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના જુદા જુદા પ્રકારના વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો મંદિરોમાં અને કથાઓમાં ન જવા માટેનો લોકોને અપીલ કરતો વીડિયો વાઇરલ થયો છે. તેની સામે હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનના લોકાર્પણ સમયે ગોપાલ ઇટાલિયાના નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી નિવેદન આપતા જણાવ્યું હતું કે એક બાજુ રાજ્ય સરકાર ગુજરાતના સૌ નાગરિકોને ગણપતિનો ઉત્સવ સારી રીતે મનાવી શકે, નવરાત્રિ અડધી રાત સુધી પરિવાર સાથે ગરબે રમી શકે તેવી વ્યવસ્થા કરે છે.એક બાજુ એક પાર્ટીના નેતા એમ કહે કે મારી બહેનો, મારી માતાઓ મંદિરમાં નહીં જતા, કથામાં નહીં જતા. કથામાં- મંદિરમાં શોષણ થાય છે. આ પ્રકારના વાક્ય બોલનાર, આ પ્રકારના વિચારધારાવાળા એક એક નેતાઓને ગુજરાતના નાગરિકોએ જવાબ આપવાનો સમય આવી ગયો છે. વધુમાં જણાવ્યું હતું કે શું આપણા મંદિરો અને આ કથાઓમાં કોઈ પ્રકારનું શોષણ થયું છે? આ પ્રકારની એક પણ ઘટના તમારી સામે આવી છે? આ કથાઓ આપણા બાળકોના ભવિષ્યને સંસ્કૃતિ સાથે જોડવા માટે છે. આ આપણા વિચારો છે. આ આપણી માન્યતાઓ છે, આપણા વિચારો, માન્યતાઓ, ધર્મ, આસ્થાને ઠેસ પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અર્બન નક્સલી આખી ટોળકી ષડયંત્ર કરીને આપણી પાછળ પડી છે.