યુવક સવારે નોકરી પર ગયો અને રાત્રે સિવિલમાં મોત નિપજ્યું
શહેરના મણિનગર વિસ્તારમાં એક સેલ્સમેનની તબિયત અચાનક બગડી જતા તેને સિવિલમાં લઈ જવાયો હતો. જેનું મોડી રાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને સેલ્સમેન વિશે તપાસ શરૂ કરી હતી. યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ બાદ જ ખબર પડશે કે યુવકનું મોત કેવી રીતે થયું? શહેરના અનલોક-1માં મોટાભાગના વેપાર-ધંધા શરૂ થઈ ગયા છે. જેથી લોકોની અવર-જવર પણ વધી રહી છે. ઇલેક્ટ્રોનિક સહિતની સર્વિસ સેન્ટરો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે મણિનગરમાં એક કિસ્સાએ ત્યાંના સ્થાનિકોને હચમચાવી દીધા હતા. મણિનગરમાં આવેલા શુભમ નામના ફ્લેટમાં ગઈકાલે એક સેલ્સમેન ઘરઘંટીનો ડેમો આપવા માટે આવ્યો હતો. ડેમો આપ્યા બાદ તે તરફ ફરી રહ્યો હતો ત્યારે અચાનક તેની તબિયત બગડવા લાગી હતી. જેથી તે સોસાયટીની બહાર જ એક જગ્યા પર બેસી ગયો અને ઉલટી પણ કરવા લાગ્યો હતો. જેને જોતા ત્યા રહેલા સ્થાનિકોએ તેને લીંબુપાણી પીવડાવી 108ને ફોન કરીને બોલાવી હતી. યુવકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ રાત્રે 12 વાગ્યાની આસપાસ તેનું મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે પોલીસે સોસાયટીના રહીશો સાથે વાતચીત કરી યુવક કોણ હતો ક્યાંથી આવ્યો હતો તેની તપાસ શરૂ કરી. પરંતુ સ્થાનિકો તેના વિશે કશું જાણતા ન હતા. તેથી પોલીસે ફોન નંબરના આધારે યુવકના ઘરનું એડ્રેસ શોધ્યું હતું. યુવક માણેકચોકનો રહેવાસી હતો. તથા તેની ઉંમર 22 વર્ષની હતી અને તે સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. હાલમાં યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણે બહાર આવી શકે છે.