અમદાવાદ સિવિલની કોવિડ 19 હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મોત
કોરોના સામેની જંગમાં આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડનર્સ કેથરિન ક્રિશ્ચિયનનું આજે મોત થયું હતું. જેના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દુઃખી થયો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શોક વ્યક્ત કર્યો હતો. કોરોના સામેની જંગમાં કોરોના વોરિયર્સ અજાણ્યા શુત્ર સામે લડી રહ્યા છે ત્યારે કેથેરિન કિશ્ચિયનના મોતથી આ જંગ સામે લડનારા વોરિયર્સને આધાત લાગ્યો છે. તમામ કેથેરિનની પડેલી ખોટથી વ્યથિત છે.કેથેરિન ક્રિશ્ચિન 26 માર્ચથી 3 મે સુધી કોવિડ 19 હોસ્પિટલના એ-2 વોર્ડના હેડનર્સ તરીકે ફરજ બજાવી હતી. દરમિયાન તેઓ દર્દીના સંક્રમણના કારણે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સિવિલ હોસ્પિટલ ખાતે જ સારવાર ચાલતી હતી. તે દરમિયાન આજે કોરોના સામેની તેમની જંગ અધૂરી રહી અને કોરોના જીતી ગયો. તેમના પાર્થિવ દેહને સેલ્યુટ કરીને સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સે અંતિમ સન્માન કર્યું હતું.સિવિલ હોસ્પિટલે એક શોક સંદેશમાં જણાવ્યું હતું કે, સમગ્ર સિવિલ હોસ્પિટલ પરિવાર વતી અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર સદગતના આત્માને ઈશ્વરીય દિલાસો આપે તેમજ તેમના કુટુંબીજનોને આ અચાનક આવી પડેલી આપત્તિ સામે ખૂબ જ હિંત અને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ખરા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ.