રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (17:21 IST)

ટ્રમ્પની મુલાકાત મુદ્દે દિવાલ બનાવવાની કામગીરી, સ્થાનિકોએ કહ્યું આ ઝૂંપડાઓ ઢાંકવાનો પ્રયાસ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની 24 ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લઈ ઈન્દિરા બ્રિજને જોડતા રોડ પર સરણિયા વાસ પાસે દિવાલ બનાવવામાં આવી રહી છે. જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ એએમસી પર ઝૂંપડાઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે અમદાવાદના મેયર બિજલ પટેલે કહ્યું કે, મેં હજુ સુધી કંઈ જોયું નથી અને તે અંગે કંઈ જાણતી નથી.ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના સ્ટેડિયમ અને ગાંધી આશ્રમના રૂટ સુધી ઝાકમઝોળ બતાવવા માટે સમગ્ર રૂટ પર લાઇટિંગ લગાવવામાં આવશે. તેમજ રૂટ પર ફૂલ છોડ અને જરૂરી સુશોભન કરવામાં આવશે. એરપોર્ટ સર્કલથી ગાંધીઆશ્રમ સુધી થનારા રોડ શો માટે સ્ટેજ બનાવવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમના રૂટ પર મોદી અને ટ્રમ્પને આવકારતા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે સમગ્ર રૂટ પર ફાયરબ્રિગેડની ગાડીઓ તહેનાત કરવામાં આવશે. રૂટ પરના દબાણો અને રખડતા ઢોર દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે