ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની અધૂરી મૂર્તિની પાછળ છે આ કથા
બલભદ્ર અને શુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ એક કથા જોડાયેલી છે. તે કથા પ્રમાણે ભગવાન જગન્નાથના ભક્ત રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન જગન્નાથ,બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો! પરંતુ એક સમસ્યા ઊભી થઈ,તે હતી યોગ્ય શિલ્પીની શોધ.
એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે,તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે?ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે?
પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, "હે નરેશ! દુઃખી ન થશો,અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો."
બસ ત્યારથી ભગવાન જગન્નાથને આ રૂપમાં પૂજા કરાય છે.