સરકારી અભિગમ અને GIDC જૂના વ્યવહારોની સ્થિતિ ઉદ્યોગકારોને રાહત, સરકારી પ્રક્રિયામાં સરળતા અને ઔદ્યોગિક વિકાસને વેગના અભિગમ સાથે રાજ્ય સરકાર ઉદ્યોગ ક્ષેત્ર માટે સરળ, પારદર્શક અને વિકાસલક્ષી વહિવટ માટે સતત કાર્યરત છે. GIDCના પ્લોટ ધારકો દ્વારા ઔદ્યોગિક પ્લોટ કે શેડની ફેરબદલી સમયે પક્ષકારોને રજિસ્ટર્ડ લીઝ ડીડ કરી આપવાને બદલે માત્ર એલોટમેન્ટ લેટર કે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ આપવામાં આવે છે. આથી અગાઉના પ્લોટ ધારકો દ્વારા મોટાભાગે સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવેલ નથી.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમમાં સુધારો અને દંડની જોગવાઈ
રાજ્ય સરકારે તા. 02/04/2025થી ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958માં સંકલિત સુધારા કર્યા છે. તે અંતર્ગત કલમ-39(1)(ખ) મુજબ, પક્ષકાર સ્વેચ્છાએ અસલ લેખ રજૂ કરે તો સહી થયા તારીખથી પ્રત્યેક માસ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 2% સાદા વ્યાજ સાથે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 4 ગણાથી વધુ ન હોય તેટલો દંડ વસૂલાશે. જો સરકારી તંત્ર દ્વારા તપાસ કરી લેખ જપ્ત કરાયો હોય, તો પ્રત્યેક માસ માટે 3% સાદા વ્યાજ સાથે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 6 ગણાથી વધુ ન હોય તેટલો દંડ વસૂલવાની જોગવાઈ તા. 10/04/2025થી અમલી બની છે.
આ કાયદાકીય જોગવાઈઓના પરિણામે જ્યારે વર્તમાન માલિકને બેંક લોન કે અન્ય કોઈ સરકારી જરૂરિયાત માટે કાયદેસરનું લીઝ ડીડ કરવાનું થાય છે, ત્યારે અગાઉના તમામ અપ્રમાણિત વ્યવહારોની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી અસહ્ય દંડ અને વ્યાજ સાથે ભરવાનું ભારે ભારણ તેમના પર આવી પડે છે.
GIDC એમ્નેસ્ટી સ્કીમની જાહેરાત
આ સંદર્ભમાં રાજ્યના ઉદ્યોગકારો અને GIDC એસોસિએશન્સની રજૂઆતોનો સંવેદનાપૂર્વક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GIDCના પ્લોટના અગાઉના તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટીના બોજમાંથી પાત્ર MSME ઉદ્યોગોને રાહત આપવા 'GIDC એમ્નેસ્ટી સ્કીમ' અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે.
GIDC એમ્નેસ્ટી સ્કીમ શું છે?
ભૂતકાળમાં પ્લોટ કે શેડની ફાળવણી વખતે રજિસ્ટર્ડ દસ્તાવેજના બદલે માત્ર એલોટમેન્ટ લેટર કે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ થયા હોવાથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થઈ ન હતી. વર્તમાન માલિકોને નવા દસ્તાવેજની નોંધણી વખતે ઊભા થતા ભારે દંડના પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ લાવવા માટે આ એમ્નેસ્ટી યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80% સુધીની રકમ માફ કરીને માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી તથા લાગુ પડતી પેનલ્ટી વસૂલાશે. જો 20% ડ્યુટી અને પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતા ઓછી થતી હોય, તો મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલ કરીને રાહત આપવામાં આવશે.
યોજનાના પાત્રતાના માનદંડ (કોને લાભ મળશે?)
આ સ્કીમનો લાભ મુખ્યત્વે માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા MSME એકમોને મળશે. આ યોજના હેઠળ તા. 30 જૂન, 2025 સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા/પેટા ભાડાપટ્ટા તથા મિલકત તબદીલી સંબંધિત વ્યવહારોનો સમાવેશ કરાશે.
દસ્તાવેજની નોંધણી અને અપીલ/કોર્ટ કેસોમાં રાહત
રાહત મેળવનારે નક્કી કરેલી 20% ડ્યુટી અને પેનલ્ટી ભરીને મિલકતની કાયદેસર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ઉપરાંત, સક્ષમ સત્તા સમક્ષ 25% રકમ જમા કરાવી અપીલ કરી હોય અથવા કોર્ટ કેસ ચાલતો હોય તેવા કિસ્સામાં કેસ/પિટિશન પરત ખેંચવાની શરતે આ યોજનાનો લાભ મળશે.
01 જાન્યુઆરી, 2018 પૂર્વે અને ત્યારબાદના વ્યવહારો માટે રાહત
તા. 01/01/2018 પહેલાં થયેલી તબદીલીઓમાં છેલ્લી તબદીલીના લેખની બજાર કિંમતને આધારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત આપી 20% ડ્યુટી અને પેનલ્ટી વસૂલાશે. તેમજ તા. 01/01/2018 કે ત્યારબાદના તમામ વસૂલાતપાત્ર કિસ્સાઓમાં પણ 80% રાહત આપીને 20% ડ્યુટી અને લાગુ પેનલ્ટી લેવાનો પ્રસ્તાવ છે.