કડકડતી ઠંડીમાં શિક્ષકોનો વિદ્યાર્થીઓ પર અમાનુષી અત્યાચાર
વલસાડના સોનવાડા આશ્રમશાળામાં ભણતા આંબાજંગલના ૩૭ વિદ્યાર્થીને રાત્રે રૂમમાં પૂર્યા બાદ બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું. દરમિયાન એક વિદ્યાર્થીને રાત્રે કુદરતી હાજત થઈ ગઈ હતી. સવારે આચાર્ય રૂમમાં કુદરતી હાજત થયેલી જોઈ જતાં ઉશ્કેરાઈ ગયા હતા અને વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આચાર્ય અને શિક્ષક આટલેથી અટક્યા નહોતા પરંતુ, તમામ ૩૭ બાળકો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતા કડકડતી ઠંડીમાં પાઈપથી પાણીનો બેફામ મારો ચલાવ્યો હતો. આચાર્ય અને શિક્ષકના કૃત્યથી વિદ્યાર્થીઓ પારેવાની જેમ ફફડી ઊઠયા હતા અને રડા-રડ કરી મૂકી હતી. ઘટનાની જાણ વાલીઓને થતાં ભારે હોબાળો મચી ગયો હતો અને આચાર્ય તેમજ શિક્ષકને કડકમાં કડક સજા કરવા માંગણી કરવામાં આવી હતી. સોનવાડા આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા ૩૭ વિદ્યાર્થીઓ એક વિશાળ ખંડમાં રહે છે. આ ખંડને આચાર્ય નરેશ સોમાભાઇ પટેલની સૂચનાથી શિક્ષક બાલકૃષ્ણ દેવજી ટંડેલે બહારથી તાળુ મારી દીધુ હતુ. રાત્રી દરમિયાન ધો.૬ના એક વિદ્યાર્થીને કુદરતી હાજત લાગી હતી. પરંતુ રૂમ બહારથી બંધ હોય, રૂમમાં જ હાજત થઇ ગઇ હતી. બીજે દિવસે સવારે શિક્ષકે રૂમનું બારણું ખોલતા, કુદરતી હાજત જોઇને પિત્તો ગુમાવ્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા આચાર્ય તથા શિક્ષકે કડકડતી ઠંડીમાં તમામ બાળકોને લાઇનમાં ઉભા રાખી શરીર પર ઠંડુ પાણી છંટાવ્યા બાદ લાકડીથી માર માર્યો હતો. આચાર્ય-શિક્ષકને આટલેથી સંતોષ ન થતાં તમામ વિદ્યાર્થીઓને મરઘા ચાલ ચલાવી હતી. જે દરમ્યાન કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવતા જમીન પર પટકાયા હતાં. જેને કારણે બે દિવસ સુધી પથારીમાંથી ઉઠી પણ શક્યા નહતાં. આંબોસી ગામના ભરતભાઇ માહલા તેમના દિકરાને આશ્રમશાળામાં આજે મૂકવા જતા હતા ત્યારે તેઓને ઉપરોક્ત ઘટનાની જાણ થઈ હતી.આચાર્ય અને શિક્ષકના અમાનુષી કૃત્યથી પંથકમાં ફીટકારની લાગણી વરસી હતી.