ગુજરાતમાં ઠંડીને લઇ હવામાન વિભાગે કરી મહત્વની આગાહી
સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો મહેસૂસ થઇ રહ્યો છે. તેની સાથે સમગ્ર ઉત્તર ભારતમાં પણ હિમવર્ષા થઇ રહી છે. સુસવાટા ભરીતા પવનોને જોતા હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હજી 2 દિવસ રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.
શનિવારે વહેલી સવારથી જ ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઉત્તર રાજસ્થાનમાં અપર સરક્યુલેશનની અસરને કારણે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન ઘટશે. કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે તેવું પણ હવામાન ખાતાનું કહેવું છે.
રાજ્યમાં વધુ એક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. બનાસકાંઠા 6.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે. અમદાવાદમાં 9.4 ડિગ્રી, નલિયામાં 7.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. કંડલામાં 9.0 ડિગ્રી, ગાંધીનગરમાં 8.5 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 9.9 ડિગ્રી, વલસાડમાં 10.5 ડિગ્રી તાપમાન, સુરતમાં 13.1 ડિગ્રી, રાજકોટમાં 10.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.